HNGUમાં દારૂ મળવા બાબતે NSUIનો વિરોધ, કુલપતિ પર નકલી નોટો ઉડાડી
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણના ધામમાં ફરીથી ઇંગ્લિશ દારૂના સેવનને લઈને મામલો ગરમાયો છે અને શિક્ષણ જેવા સરસ્વતીના પવિત્રધામમાં આ પ્રકારની પ્રવૃત્તિ સામે વિરોધની લાગણી ઊઠવા પામી છે. યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં રોકાયેલા ફૂટબોલના ખેલાડીઓમાંથી કેટલાક લોકો હોસ્ટેલના રૂમમાં દારૂની મહેફિલ માણતા ધ્યાને આવતા આ સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
વિદ્યાર્થી સંગઠન NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને કુલપતિ સમક્ષ સિક્યુરિટીનું ટેન્ડર રદ કરવા તેમજ આ બાબતે યુનિવર્સિટી ફરિયાદ દાખલ કરે તેવી માગ કરવામાં આવી હતી. યુનિવર્સિટીમાં કમિશન પ્રથા ચાલતી હોવાના આક્ષેપો કરી NSUIએ કુલપતિ ઉપર નકલી નોટો ઉછાળી વિરોધ કર્યો હતો.
શું છે સમગ્ર મામલો?
જીમખાનામાં યોજાયેલી રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાના ખેલાડીઓને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઋષા હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા. તેમાંથી રૂમ નંબર છના ત્રણ જેટલા વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. ફરજ પરના સિક્યુરિટીએ તેમને અટકાવતા તેમની સાથે બોલાચાલી કરી ગાડી લઈ નાસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગાડીને રોકવા જતા ગાડી તેમની ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય સિક્યુરિટી ગાર્ડ તેમજ કર્મચારીઓ મેઇન ગેટ બંધ કરી દેતા ગાડી ઉભી રહેતા ત્રણેય વિદ્યાર્થીઓને પકડી બી-ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.