HNGUના પ્રોફેસરનું મહત્વનું સંશોધન, ખારી જમીનમાં પણ થશે ખેતી
ભાવેશ ભોજક, પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગના પ્રોફેસર અને તેમના વિદ્યાર્થીઓની ટીમે ખારાશવાળી જમીનમાં પણ ખેતી કરી ઉત્પાદન મેળવી શકાય તે અંગેનું એક મહત્વનું સંશોધન કર્યું છે. આ ખેડૂતો માટે આનંદની વાત કહી શકાય.
ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં ખેતીલાયક જમીન વિસ્તારમાં 30 ટકા જેટલી જમીન હાલ પણ ખારાશવાળી છે. જેથી ખેડૂત દ્વારા મહામહેનતે બીજનું વાવેતર કર્યા બાદ પણ ધાર્યું ઉત્પાદન મળતું નથી. ત્યારે પાટણ યુનિવર્સિટીના લાઈફ સાયન્સના પ્રોફેસર ડૉ. આશિષ પટેલ અને તેમનાં વિધાર્થીઓ દિશા, ભક્તિ, અનિલ વિરેન્દ્ર અને નિશા સંયુક્ત ટીમ દ્વારા ખેડૂતોના હિતમાં ખારાશવાળી જમીનમાં પણ ખેડૂતો સારી ઉપજ મેળવી શકે તે માટે એક સંશોધન કરવામાં આવ્યું છે.
આ ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચમાંથી આયંગેરિયા સ્ટીલાટા નામની દરિયાઈ લીલના સેમ્પલ લઇ તેના નેનો પાર્ટીકલ્સ બનાવી તેના દ્વારા ટામેટાનાં પ્લાન્ટેશન ઉપર સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યારે જાણવા મળ્યું હતું કે, સિલ્વર નેનો પાર્ટીકલ્સની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ત્યારે આ પાકની વૃદ્ધિ અને વિકાસ પર થતી ખારાશની અસરોને ઘટાડી શકીએ છીએ. આ ઉપરાંત ઉત્પાદન પણ વધારી શકાય છે.
આ સિવાય તેની એન્ટિઓક્સિડન્ટ એક્ટિવિટી અને બીજા ઘણા બધા અવલોકન કરીને સાબિત કર્યું કે તેની પ્રકાંડ, પર્ણ અને મૂળની વૃદ્ધિ થાય છે. ભવિષ્યમાં આ ટેકનોલોજીથી ખેડૂતોને મોટો લાભ થઈ શકે છે. આ ટેક્નોલોજી જ્યારે માર્કેટમાં આવશે ત્યારે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટશે. તેનાથી ખેડૂતોને આર્થિક લાભ થશે. તેની સાથે પર્યાવરણને પણ ફાયદો થશે અને લોકોના સ્વાસ્થ્ય સાચવશે. પ્રોફેસરનું આ સફળ સંશોધન વિશ્વની વનસ્પતિ શાસ્ત્રની સુપ્રસિદ્ધ ફિઝયોલોજીઆ પ્લેનેટરિયમ નામની જનરલમાં પ્રસિદ્ધ પણ થઈ છે.