પાટણની લોકસભા બેઠકનું A to Z, જાણો કેટલો વિકાસ થયો
ભાવેશ ભોજક, પાટણઃ મહેસાણા જિલ્લામાંથી પાટણને અલગ જિલ્લાનો દરજ્જો મળ્યા બાદ અહીંથી ચૂંટાતા સાંસદોની નિષ્ક્રિયતાને કારણે આ જિલ્લાનો ઝડપથી વિકાસ થવો જોઈએ તે થયો નથી. ખેતી અને પશુપાલન પર આધારિત આ જિલ્લામાં હજુ સુધી કોઈ કૃષિ કે ડેરી ઉદ્યોગો સ્થપાયા નથી તો મોટા ઉદ્યોગો ન હોવાને કારણે શિક્ષિત યુવાનોને રોજગારી માટે સ્થળાંતર કરવું પડે છે. વિશ્વ ફલક ઉપર ચમકેલી રાણીની વાવ જોવા આવનારા પ્રવાસીઓ માટે પ્રવાસન વિભાગ દ્વારા રહેવા અને જમવા માટે કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી નથી.
બેઠકની વિશેષતા
પાટણ લોકસભા બેઠક ઉપર વિકાસની ભરપૂર તકો રહેલી છે, પરંતુ આ વિસ્તારનો જોઈએ તેવો વિકાસ થયો નથી. મુખ્યત્વે ખેતી અને પશુપાલન ઉપર આ જિલ્લો નિર્ભર છે. ચૂંટાયેલા સાંસદોએ કોઈ વિશેષ ધ્યાન આપ્યું નથી. આ બેઠકના માલધારીઓ અને પશુપાલકો મોટા પ્રમાણમાં દુધાળા ઢોર રાખે છે છતાં પાટણ જિલ્લો ડેરી ઉદ્યોગના વ્યવસાયથી વંચિત છે. તો બીજી તરફ ખેડૂતો રાયડો, ઇસબગુલ, જીરુ, ચણા તેમજ ગાજરનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે, છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. સ્થાનિક કક્ષાએથી જ ખરીદી થાય તે માટેના કેન્દ્રો સરકાર દ્વારા ખોલવામાં આવ્યા નથી. જેથી મોટાભાગના ખેડૂતોને એપીએમસીમાં આવીને ખરીદ વેચાણ કરવું પડે છે. પાટણ જિલ્લામાં કપાસનું પણ મબલક ઉત્પાદન થાય છે, આ ઉપરાંત જિનિંગ ફેક્ટરીઓ માટે હજી સુધી પ્રોત્સાહન અપાયું નથી. સરહદી વિસ્તાર હોવાથી રેલવેનો પ્રશ્ન ઉકેલતા કાંસા ભીલડી રેલવે પર હાલ ગુડ્ઝ તેમજ પેસેન્જર ટ્રેનો દોડી રહી છે. હાલ અમૃત યોજના હેઠળ પાટણ રેલવે સ્ટેશનને અદ્યતન બનાવવાની કામગીરી ચાલુ છે. પરંતુ સુપરફાસ્ટ દોડતી ટ્રેનો પાટણને ફાળવવામાં આવી નથી. જેથી આ વિસ્તારના લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે.
આ પણ વાંચોઃ જયશંકરનો જડબાતોડ જવાબ – UNએ ભારતની ચૂંટણીની ચિંતા કરવાની જરૂર નથી
પાટણ જિલ્લામાં કોઈ મોટા ઔદ્યોગિક એકમ આજ દિન સુધી સ્થપાયા નથી, જેથી શિક્ષિત લોકોને રોજગારી માટે મોટા શહેરોમાં જવાની ફરજ પડે છે. પાટણ જિલ્લામાં ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો વર્લ્ડ હેરિટેજમાં સામેલ થયેલી ઐતિહાસિક રાણીની વાવને નિહાળવા માટે વર્ષે દહાડે હજારોની સંખ્યામાં પર્યટકો પાટણના મહેમાન બને છે. પરંતુ રાણીની વાવ નિહાળવા આવનાર પ્રવાસીઓને પાટણમાં જ રહેવા સહિતની ઉત્તમ સુવિધાઓ મળી રહે તે માટેના પ્રયાસો હજી સુધી થયા નથી. જેથી પ્રવાસીઓ અહીં રોકાણ કરી શકતા નથી. ચોરમારપુરા ખાતે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડાયનાસોર પાર્ક અને સાયન્સ સેન્ટર કાર્યરત કર્યું છે, જ્યાં મોટી સંખ્યામાં પર્યટકો સહિત વૈજ્ઞાનિકો આવી રહ્યા છે.
ધાર્મિક સ્થળોની વાત કરવામાં આવે તો માતૃતર્પણ માટેનું એકમાત્ર સ્થળ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલું છે. જ્યાં દેશભરમાંથી લોકો માતૃતર્પણ કરવા માટે આવે છે. આ સ્થળનો સરકાર દ્વારા વિકાસ કર્યો છે. તો જૈનોનું પવિત્ર તીર્થ સ્થળ શંખેશ્વરમાં આવેલું છે. આ નગરમાં અનેક જૈન દેરાસરો અને અપાશ્રયો આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં જૈન-જૈનેતરો આવે છે. તો સમી તાલુકામાં લોટેશ્વરમાં લોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પ્રવાસન નિગમ દ્વારા આ મંદિરનો વિકાસ કર્યો છે. સમી તાલુકાના વરાણામાં આઈ શ્રી ખોડીયાર માતાનું રાજ્ય સ્થાનિક આવેલું છે, જે વઢીયાર પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે મહા સુદ એકમથી મહા સુદ પૂનમ સુધી 15 દિવસીય મેળો ભરાય છે, જેને મિની કુંભ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પંદર દિવસ દરમિયાન પાટણ જિલ્લા સહિત અન્ય જિલ્લા અને રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
આ પણ વાંચોઃ AAPના મનિષ સિસોદિયાએ જેલમાંથી લખ્યો ભાવુક પત્ર, કહ્યુ – જલદી બહાર મળીશું
પાટણ ગુજરાતની પ્રાચીન રાજધાની હતી. અહીં ચાવડા, વાઘેલા અને સોલંકી વંશના રાજવીઓએ કુશળ રાજ્ય કર્યું હતું. સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. આ સમયગાળામાં પાટણ જિલ્લામાં અનેક શિલ્પ સ્થાપત્ય, મંદિરો અને તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ તો જિલ્લાવાસીઓ ખેતી અને પશુપાલન ઉપર જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે.ઔદ્યોગિક ક્ષેત્રે પણ જિલ્લામાં કોઈ મોટી જીઆઇડીસી કે ઔદ્યોગિક એકમો સ્થપાય નથી. સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત પાટણ લોકસભા વિસ્તારના યુવાનોને રોજગારીની તકો મળી રહે તે માટે ઔદ્યોગિક એકમો સ્થાપવા જોઈએ સાથે જ સહકારી માળખાને પણ મજબૂત બનાવવાની જરૂર છે. હાલ તો જિલ્લાના લોકો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર રહી રોજગારી મેળવી રહ્યા છે. જિલ્લામાં સાક્ષરતાનો દર 72 ટકા છે.