July 2, 2024

હારીજની બે આંગણવાડીઓ જર્જરિત, બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા

ભાવેશ ભોજક, પાટણ: હારીજ શહેરમાં આવેલી 2 આંગણવાડી કેન્દ્રના મકાનો છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ગયા છે. જેને લઈને હારીજ CDPO દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં આંગણવાડી મકાનો અંગે કોઈ કાર્યવાહી ન કરાતા બાળકોની સલામતી સામે મોટું જોખમ ઊભું થયું છે. જેને લઈને આજે બંને આંગણવાડીના બાળકોને અન્ય આંગણવાડીમાં ખસેડી જર્જરિત આંગણવાડીને બંધ કરવાની ફરજ પડી હતી. જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો આંગણવાડી કેન્દ્રોનું સ્થળાંતર કરવામાં આવતા હાલતો બાળકોના ભાવિ અદ્ધરતાલ ભાસી રહ્યું છે.

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નાના બાળકોને પોષણક્ષમ આહાર સાથે પાયાનું શિક્ષણ મળી રહે તે આશયથી સમગ્ર રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોની શરૂઆત કરી હતી. જેના થકી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આ કેન્દ્રમાં પોષણક્ષમ આહાર સાથે ભણવા પ્રેરાયા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલીક આંગણવાડીના મકાનો ICDSના અધિકારીઓ અને સરકારની ઉપેક્ષાને કારણે જર્જરિત બન્યા છે. આ જર્જરિત મકાનોમાં હારીજની બે આંગણવાડી કેન્દ્રનો સમાવેશ થાય છે.

 

હારીજ શહેરમાં આવેલી આંગણવાડી કેન્દ્ર નં. 8 અને 18નું મકાન છેલ્લા 2 વર્ષથી ખખડધજ હાલતમાં છે. આ મકાનમાં નાના ભૂલકાઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરે છે. મકાનની ધાબાની છતમાંથી અવારનવાર પોપડાઓ પડે છે. અને છતની લોખંડની ખીલાસરીઓ પણ બહાર નીકળી આવી છે. તેમ છતાં તેનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. ત્યારે, ગતરોજ સમીના ભદ્રાડા ગામની શાળાનું છતનું પતરું તૂટતા અને શિક્ષક નીચે પટકાતા તેમનું મોત થયાની ઘટના બાદ જિલ્લામાં જર્જરિત શાળાઓના ઓરડા ઉતારી દેવા શિક્ષણાધકારીએ આદેશ આપ્યા છે.

ત્યારે, આંગણવાડી વિભાગ પણ સતર્ક જોવા મળ્યું અને અગમચેતીના ભાગ રૂપે તાત્કાલિક અસરથી આજથી તમામ બાળકોને અન્ય આંગણવાડીના મકાનમાં ખસેડી દેવાયા હતા. બિસ્માર અને જર્જરિત આંગણવાડીના મકાનને લઈને વાલીઓ અને જાગૃત નગરજનો પણ ચિંતિત બન્યા છે અને સરકાર સમક્ષ યોગ્ય આંગણવાડી મકાનની માંગ કરી રહ્યા છે.

હારીજ શહેરમાં આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર 8 અને 18 જર્જરી થયું હોવા અંગે હારીજના ઇન્ચાર્જ CDPO દ્વારા આ અંગે લેખિતમાં વિભાગને જાણ કરવામાં આવી છે તેમ છતાં આ મકાનનું રિપેરિંગ કામ ન કરાતા હાલમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને બાળકોની સલામતી ખાતર આ બંને આંગણવાડીના 32 જેટલા બાળકોને અન્ય આંગણવાડીમાં ખસેડવામાં આવ્યા છે અને જર્જરિત આંગણવાડી હાલ બંધ કરી દેવામાં આવી છે.

આંગણવાડીના ખખડધજ બે મકાનોમાં છેલ્લા ઘણા સમયથી બાળકો જીવના જોખમે અભ્યાસ કરતા હતા. પરંતુ, ગતરોજ ભદ્રાળા ખાતે બનેલી ઘટનાને પગલે આંગણવાડી વિભાગ સફાળું જાગ્યું છે અને આ જર્જરિત આંગણવાડી કેન્દ્ર હાલ બંધ કર્યું છે. ત્યારે, સવાલ એ થાય છે કે શું કોઈ આકસ્મિક ઘટના બને તેની રાહ આંગણવાડી વિભાગ દ્વારા જોવામાં આવતી હતી?