December 18, 2024

પર્સનલ લૉ બાળ વિવાહના કાયદાને અસર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ

Supreme Court on Child Marriage: સુપ્રીમ કોર્ટે શુક્રવારે 18 ઑક્ટોબરના રોજ દેશમાં વધતાં બાળ લગ્નના કિસ્સાઓને લગતી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પર્સનલ લૉના કારણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો પ્રભાવિત થાય તે યોગ્ય નથી. કોર્ટે કહ્યું છે કે નાની ઉંમરમાં લગ્ન કરવાથી લોકો પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાના અધિકારથી વંચિત રહે છે. કોર્ટે એમ પણ કહ્યું કે બાળ લગ્ન નિષેધ કાયદાને પર્સનલ લૉથી ઉપર રાખવાનો મુદ્દો સંસદીય સમિતિ પાસે પેન્ડિંગ છે. તેથી, તેઓ તેના પર વધુ ટિપ્પણી નથી કરી રહ્યા.

બાલ લગ્નોનું વધતું પ્રમાણ રાજ્ય સરકારોની બેદરકારી
સુપ્રિમ કોર્ટે સોસાયટી ફોર એનલાઈટનમેન્ટ એન્ડ વોલન્ટરી એક્શન નામની એનજીઓની અરજી પર ચુકાદો આપતાં બાળલગ્ન પર નિયંત્રણને લઈને અનેક સૂચનાઓ આપી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બાળ લગ્ન પર પ્રતિબંધ હોવા છતાં દેશમાં આજે પણ બાલ લગ્ન ચાલુ છે. દર વર્ષે 18 વર્ષથી ઓછી ઉંમરની લાખો છોકરીઓના લગ્ન થઈ રહ્યા છે. 10 વર્ષની ઉંમર પહેલા લગ્નના કિસ્સાઓ મોટી સંખ્યામાં છે. તેનું સૌથી મોટું કારણ રાજ્ય સરકારોની બેદરકારી છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી 3 ન્યાયાધીશોની ખંડપીઠે આ અંગે આદેશ આપતા કહ્યું-
બાળ લગ્ન રોકવા સંબંધિત તમામ વિભાગના લોકોને વિશેષ તાલીમની જરૂર છે.
દરેક સમુદાયના લોકો માટે અલગ-અલગ પદ્ધતિઓ અપનાવવી જોઈએ
સજા કરવાથી સફળતા નહીં મળે
સમાજની પરિસ્થિતિ સમજીને વ્યૂહરચના બનાવો
લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થવો જોઈએ
બાળ લગ્ન નિષેધ અધિનિયમને પર્સનલ લૉથી ઉપર રાખવાનો મુદ્દો સંસદીય સમિતિમાં પેન્ડિંગ છે. એટલા માટે કોર્ટ તેના પર ટિપ્પણી કરી રહી નથી
પરંતુ એ વાત સાચી છે કે વહેલા લગ્ન લોકોને તેમની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાના અધિકારથી વંચિત રાખે છે.