પેટલાદ પાલિકાને વિકાસનો નશો ચડ્યો, ભવનના નિર્માણ માટે 400 આંબાના નિકંદનનો એજન્ડા પાસ કર્યો

યોગીન દરજી, આણંદ: પેટલાદ પાલિકાને વિકાસનો નશો ચડ્યો હોય તેમ વિકાસ માટે વૃક્ષોનું નિકંદન કાઢવાનો એજન્ડા પાસ કરી નાખ્યો છે. નગર પાલિકા દ્વારા શહેરમાં નવા આંબેડકર ભવનના નિર્માણ માટે 400 આંબાનો ભોગ લેવાની તૈયારીઓ કરી લેવાઈ છે. જેના પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ 2માં આમ્રકુંજ વનમાં 2020માં 400 આંબાનું વાવેતર કરાયું હતું.
આ આંબાના ઝાડ થકી પાલિકાને વર્ષે 2 લાખ જેટલી આવક પણ થાય છે, પરંતુ વિકાસ પાછળ આંધળી દોટ લગાવી રહેલા સત્તાધીશો વૃક્ષો વાવવાના બદલે હવે વૃક્ષો કાપવા તરફ આગળ વધી રહ્યા છે. એક તરફ સરકાર વૃક્ષો વાવવા માટે સંકલ્પ લેવડાવે છે, તો બીજી તરફ સરકારના જ સત્તાધીશોનો વૃક્ષોના નિકંદનનો સંકલ્પ જોવા મળી રહ્યો છે.
નોંધનીય બાબત છે કે આ ઘટના બાદ હવે પેટલાદ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર હિરલ ઠાકરે વૃક્ષોના નિકંદન ઉપર સ્ટેની કરી માગ કરી છે. કારણ કે તેમના સમયમાં જ આ 400 આંબાના છોડ લગાવવામાં આવ્યા હતા.