September 22, 2024

રાષ્ટ્રપતિ બાઈડેનના ઘરે પહોંચ્યા PM મોદી, દ્વિપક્ષીય ચર્ચા શરૂ

PM Modi US Visit: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના અમેરિકાના પ્રવાસને લઈને ફિલાડેલ્ફિયા પહોંચી ગયા છે. બાદમાં હાલ વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. જ્યાં, બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ પહેલા, સાંજે પીએમ મોદીનું  ફિલાડેલ્ફિયા એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર હાજર ભારતીય સમુદાયના લોકો સાથે તેમણે વાતચીત કરી. લોકોએ ભારત અને પીએમ મોદીના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

બાઈડેનના ઘરે પહોંચ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય ચર્ચા કરવા માટે અમેરિકન રાષ્ટ્ર પતિ જો બાઈડેનના ઘરે પહોંચી ગયા છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વિદેશ મંત્રાલયે કર્યું ટ્વિટ
વિદેશ મંત્રાલયે PM મોદીના અમેરિકા પ્રવાસને લઈને ટ્વિટ કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટ કરતાં લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક શહેર ફિલાડેલ્ફિયા પહોંચી ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ક્વાડ સમિટમાં ભાગ લેશે. ઘણી દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે. નરેન્દ્ર મોદી પીએમ તરીકે અત્યાર સુધીમાં 8 વખત અમેરિકાની મુલાકાતે ગયા છે અને હવે તેઓ નવમી મુલાકાતે છે. વિદેશ મંત્રાલય (MEA) એ મંગળવારે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ નેતાઓના ચોથા શિખર સંમેલનમાં ભાગ લેશે, જે 21 સપ્ટેમ્બરના રોજ ડેલાવેયરના વિલમિંગટન ખાતે યોજાશે. આ કોન્ફરન્સ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનની યજમાનીમાં યોજાશે. ત્યારબાદ, 22 સપ્ટેમ્બરે, વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને લગતા એક કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી તેમના પ્રવાસના અંતિમ દિવસે 23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની ‘સમિટ ઓફ ધ ફ્યુચર’માં પણ ભાગ લેશે.