January 13, 2025

મહાકુંભની શરૂઆત પર PM મોદીએ આપ્યો ખાસ સંદેશ, કહ્યું-મને ખુશી છે કે…

Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સોમવારથી મહાકુંભનું આયોજન શરૂ થઈ ગયું છે. સમગ્ર પ્રયાગરાજ ભક્તોની ભીડથી ભરેલું છે અને સવારથી લાખો લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે. નોંધનીય છે કે, પ્રયાગરાજ મહાકુંભમાં 40 કરોડથી વધુ ભક્તો ભાગ લે તેવી અપેક્ષા છે. હવે આ મોટા પ્રસંગે, ભારતના PM નરેન્દ્ર મોદીએ પણ એક ખાસ સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ મહાકુંભની શરૂઆતને ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને વળગી રહેનારાઓ માટે ખૂબ જ ખાસ દિવસ ગણાવ્યો છે.

પીએમ મોદીએ શું કહ્યું?
સોમવારે સવારે X પર PM નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરીને કહ્યું- “પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે, પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર આજે મહાકુંભનો પ્રારંભ થયો છે. આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આ દિવ્ય પ્રસંગે, હું બધા ભક્તોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. મને આશા છે કે ભારતીય આધ્યાત્મિક પરંપરાનો આ ભવ્ય ઉત્સવ તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે.”

પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી
PM મોદીએ કહ્યું છે કે પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા જોઈને ખુશી થઇ રહી છે. અસંખ્ય લોકો પ્રયાગરાજ આવી રહ્યા છે, પવિત્ર સ્નાન કરી રહ્યા છે અને ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે. પીએમ મોદીએ યાત્રાળુઓ અને પ્રવાસીઓને અદ્ભુત રોકાણની શુભેચ્છા પણ પાઠવી.