September 19, 2024

જે દેશ પોતાની વિરાસત નથી સાચવી શકતો તે દેશ પોતાનું ભવિષ્ય ખોઈ દે છે: PM મોદી

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે અમદાવાદ, ગુજરાતમાંથી અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. જેમાં 10 નવી વંદે ભારત ટ્રેનો પણ સામેલ છે.  જ્યારે હવે પીએમ મોદીએ મંગળવારે પુનઃવિકાસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત કરવામાં આવેલો તે પહેલો આશ્રમ હતો. આ ઉપરાંત ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે બાપુનો આ સાબરમતી આશ્રમ હંમેશા અદ્ભુત ઉર્જાનું કેન્દ્ર રહ્યો છે. મને જ્યારે પણ અહીં આવવાનો અવસર મળે છે ત્યારે હું મારી અંદર બાપુની પ્રેરણા, સત્ય-અહિંસા અને ભક્તિનો સંકલ્પ સ્પષ્ટપણે અનુભવું છું. દેશના ગરીબ અને દલિત લોકોની સેવા એ ભગવાનની સેવા છે. સાબરમતી આશ્રમ આજે પણ બાપુના આ મૂલ્યોને જીવંત રાખે છે.

સાબરમતી આશ્રમથી PM મોદીએ સંબોધન કર્યું છે. તેમણે સંબોધનમાં જણાવ્યું છે કે,  બાપુના મૂલ્યો આજે પણ અનેક લોકોના જીવનમાં સજીવ છે. તેમણે કહ્યું કે, આજે 12મી માર્ચ ઐતિહાસિક તારીખ છે. ગાંધીજી બે વર્ષ સુધી કોચરબ આશ્રમમાં રહ્યા હતા. ગાંધીજી ત્યારબાદ સાબરમતી આશ્રમમાં શિફ્ટ થયા હતા. તો આજના દિવસે બાપુએ દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, આઝાદી પહેલા દેખાયું હતું તેવું વાતાવરણ જોવા મળ્યું. 

 

તેમણે જણાવ્યું કે દેશમાં  2 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે તો 70 હજારથી વધુ અમૃત સરોવરનું નિર્માણ થયું. બાપુનો આશ્રમ ઊર્જાનું જીવંત કેન્દ્ર છે. જે દેશ પોતાની વિરાસત નથી સાચવી સકતો તે દેશ પોતાનું ભવિષ્ય ખોઈ દે છે. આ સિવાય બાપુનો આશ્રમ પહેલા 120 એકરમાં ફેલાયો હતો. આશ્રમમાં 63માંથી 36 મકાનોમાં બચ્યા છે. આઝાદી બાદ આ આશ્રમ ઘટી ઘટીને 5 એકર થયો. આઝાદી બાદ આ ધરોહર સાથે અન્યાય થયો. તેમણે વધુમાં કહ્યું કે, આ વિરાસતને સાચવવી 140 કરોડ ભારતીયોની જવાબદારી છે. 

નોંધનીય છે કે આ આશ્રમ દેશ વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. અગાઉની સરકારોમાં રાજકીય ઈચ્છાશક્તિઓ ન હતી. તેમજ અગાઉની સરકારોમાં આવી વિરાસતોને સાચવવાના વિચારો ન હતા. તેમજ કાશીમાં 2 વર્ષમાં 12 કરોડથી વધુ દર્શાનાર્થી દર્શન માટે આવ્યા છે.  અયોધ્યામાં 50 દિવસમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા. આશ્રમમાં રહેનારા પરિવારોનો મોટો સહયોગ રહ્યો છે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે,  દ્વારકામાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ સિવાય તેમણે કહ્યું કે, ગ્રામિણ મહિલાઓ સ્વનિર્ભર થઈ રહી છે. ગુજરાતના 9 લાખ ખેડૂત પરિવારો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે.