August 18, 2024

પીએમ મોદીનો વધુ એક રેકોર્ડ, ટ્વિટર (X)માં થયા 10 કરોડ ફોલોઅર્સ

PM Modi 100 Millions Followers: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી. પીએમ મોદી ટ્વિટર (X) પર સૌથી વધુ ફોલો થતાં રાજકીય નેતા બની ગયા છે. પીએમ મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર 100 મિલિયન એટલે કે 10 કરોડ ફોલોઅર્સનો આંકડો પ્રાપ્ત કરી લીધો છે. આ આંકડાની સાથે જ તે તેઓ દુનિયાના X પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજનેતા બની ગયા છે.

છેલ્લા ત્રણ વર્ષમાં પીએમ મોદીના X એકાઉન્ટ પર ફોલોઅર્સમાં ઝડપથી વધારો થયો છે. માત્ર ત્રણ વર્ષમાં 30 મિલિયન યુઝર્સ વડાપ્રધાન મોદીના એકાઉન્ટ સાથે જોડાયા છે. PM મોદી X પર ફોલોઅર્સની બાબતમાં માત્ર દેશના જ નહીં પરંતુ વિશ્વભરના નેતાઓ કરતા ઘણા આગળ છે. યુએસ પ્રમુખ જો બાઈડેનને X પર 38.1 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.

તો ભારતની વાત કરીએ તો, વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની સરખામણીમાં પીએમ મોદીના ફોલોઅર્સ ખૂબ જ વધારે છે. X પર રાહુલ ગાંધીના 26.4 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 27.5 મિલિયન, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવના 19.9 મિલિયન ફોલોઅર્સ છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, તેજસ્વી યાદવ, શરદ પવાર જેવા રાજકીય નેતાઓના 10 મિલિયન કરતાં પણ ઓછા ફોલોઅર્સ છે.