September 20, 2024

PM મોદી રાષ્ટ્રને કરશે સંબોધન, દેશમાં લાગુ કરી શકે છે CAA

CAA Notification:  લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થોડા જ દિવસોમાં થઈ શકે છે. એવામાં કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન કાનુન લાગુ કરવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર આજે કેન્દ્ર સરકાર તરફથી તેને સંબંધિત નોટિફિકેશન જાહેર થઈ શકે છે. એ બાદ આજથી જ દેશમાં નાગરિકતા સંશોધન કાનુન એટલે કે સીએએ લાગુ થઈ જશે. મહત્વનું છેકે, CAAનો કાયદો સંસદમાંથી પાંચ વર્ષ પહેલા પસાર થઈ ગયો છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખો પહેલા સીએએને દેશમાં લાગુ કરવા જઈ રહ્યા છે.

ત્રણ મુસ્લિમ દેશોના લઘુમતીઓને મળશે નાગરિકતા
CAA હેઠળ મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે. જે નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં.

કેન્દ્ર સરકારે 2019માં કાયદામાં સુધારો કર્યો
વર્ષ 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.

2020થી એક્સ્ટેન્શન
મહત્વનું છેકે સંસદીય પ્રક્રિયાના નિયમો અનુસાર કોઈપણ કાયદાના નિયમો રાષ્ટ્રપતિની સહમતિના 6 મહિનાની અંદર તૈયાર થવા જોઈએ. જો આમ ન થાય તો લોકસભા અને રાજ્યસભામાં ગૌણ વિધાન સમિતિઓ પાસેથી વિસ્તરણની માંગ કરવી જોઈએ. CAAના કિસ્સામાં, 2020 થી ગૃહ મંત્રાલય નિયમો બનાવવા માટે નિયમિત અંતરાલે સંસદીય સમિતિઓ પાસેથી એક્સ્ટેંશન લઈ રહ્યું છે.

9 રાજ્યોમાં નાગરિકતા આપવામાં આવી
છેલ્લા બે વર્ષમાં, નવ રાજ્યોના 30 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ ભારતીય નાગરિકત્વ આપવા માટે સત્તા આપવામાં આવી છે. 2021-22ના ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ, 1 એપ્રિલ, 2021 થી 31 ડિસેમ્બર, 2021 સુધી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના આ બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોના કુલ 1,414 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવેલ 9 રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર છે.