July 2, 2024

PM મોદી આજે સાંજે 4:30 વાગ્યે UAEમાં હિંદુ મંદિરનું લોકાર્પણ કરશે

PM Modi UAE Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બુધવારે અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું લોકાર્પણ કરશે. પીએમ મોદી મંગળવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા હતા, જ્યાં અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. UAEની મુલાકાત દરમિયાન PMએ ‘અહલાન મોદી’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પીએમએ આ સંબોધનમાં ભાષણ આપ્યું અને તેમની અગાઉની મુલાકાતોને પણ યાદ કરી હતી. અબુ ધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, ‘અમારો સંબંધ પ્રતિભા, નવીનતા અને સંસ્કૃતિનો છે. અમે દરેક દિશામાં અમારા સંબંધોને ફરીથી મજબૂત બનાવ્યા છે. બંને દેશો સાથે મળીને ચાલ્યા છે અને આગળ વધ્યા છે. UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. UAE એ ભારતનું સાતમું સૌથી મોટું રોકાણકાર છે.” ‘અહલાન મોદી’ કાર્યક્રમના સંબોધન બાદ પીએમ મોદી પણ લોકોને અભિવાદન કરવા માટે કારમાં સ્ટેડિયમના ચક્કર લગાવ્યા હતા.

મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની બે દિવસીય મુલાકાતે છે. તેઓ આજે સાંજે અબુધાબીમાં 27 એકરમાં ફેલાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું લોકાર્પણ કરશે. મંદિરમાં સવારથી જ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા કરવામાં આવ્યું છે. PM મોદી આજે (14 ફેબ્રુઆરી 2024) સ્થાનિક સમય અનુસાર સવારે 11:40 વાગ્યે UAE ના ઉપરાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી બપોરે 12.10 વાગ્યે ‘ભારત માર્ટ’નું વર્ચ્યુઅલ લોન્ચ કરશે. વડાપ્રધાન મોદી બપોરે 12.20 વાગ્યે વર્લ્ડ ગવર્નન્સ સમિટને સંબોધિત કરશે. વડાપ્રધાન સાંજે સાડા ચાર વાગ્યે હિન્દુ મંદિરનું લોકાર્પણ કરશે.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધની ચર્ચા
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ નાહયાને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને લાલ સમુદ્રમાં જહાજો પર થયેલા હુમલા અંગે પણ ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે આ એક એવો વિસ્તાર છે જે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે વ્યાપક ઉર્જા સુરક્ષાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.

ભારત અને UAE વચ્ચે 10 કરારો થયા
પીએમ મોદીની મુલાકાત દરમિયાન ભારત અને UAE વચ્ચે 10 કરારો થયા છે. વિદેશ મંત્રાલયના સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે PM મોદી અને રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાન વચ્ચે 13 જાન્યુઆરીએ દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી. દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન ભારત અને UAE વચ્ચે 10 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વધુમાં કહ્યું કે આ ચર્ચામાં ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સાથે સાથે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ વિકાસને આવરી લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે PM મોદી ઇનોવેટિવ માર્કેટ પ્લેસ ‘ભારત માર્ટ’નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. તેનો ઉદ્દેશ્ય ભારતીય ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે લાવવાનો અને બંને દેશો વચ્ચે વેપાર સંબંધો વધારવાનો છે.

પીએમ મોદીનો આજે અબુધાબીમાં કાર્યક્રમ (સ્થાનિક સમય)
08:00 AM: સેન્ટ રેજીસ હોટેલ ખાતે વિદેશ સચિવ દ્વારા એક વિશેષ પત્રકાર પરિષદ યોજવામાં આવશે.
10:30-11:20 AM: PM મોદી દુબઈના અમીર સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
11:25 AM: PM મોદી ‘ભારત માર્ટ’નું વર્ચ્યુઅલ લોન્ચ કરશે
11:40 -12:10 PM: PM મેડાગાસ્કર સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે.
12:20-12: 40 PM: વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં વડા પ્રધાન સંબોધન કરશે.
04:30 – 07:30 PM: PM મોદી BAPS મંદિરનું લોકાર્પણ કરશે.
08:05 PM: PM મોદી દોહા જવા રવાના થશે.

PM મોદીની UAEની સાતમી મુલાકાત
2014માં સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાનની યુએઈની આ સાતમી અને કતારની બીજી મુલાકાત છે. તેઓ UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વાતચીત કરશે, માહિતી અનુસાર અનુસાર બંને નેતાઓ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે ચર્ચા કરશે. જ્યારે UAEમાં વડાપ્રધાન અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર BAPS મંદિરનું લોકાર્પણ કરશે.

PM UAEના પ્રવાસ બાદ કતાર જશે
પીએમ મોદી 13 ફેબ્રુઆરીએ UAE પહોંચ્યા હતા, પીએમ મોદીની મુલાકાત દરમિયાન શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદી 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના લોકાર્પણ સમારોહમાં પણ હાજરી આપશે. UAE પ્રવાસ બાદ PM મોદી કતાર જશે.