February 13, 2025

વોશિંગ્ટન પહોંચ્યા PM મોદી, વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે

PM Modi America Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની અમેરિકાની મુલાકાતે છે, જ્યાં તેઓ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત અને વાતચીત કરશે. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીત ભારત-અમેરિકા વ્યૂહાત્મક સંબંધોને વેપાર, સંરક્ષણ અને ઉર્જા સહયોગ જેવા ક્ષેત્રોમાં મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત આતંકવાદ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, ચીન, H1B વિઝા અને ગેંગસ્ટર જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી પીએમ મોદીની આ પહેલી યુએસ મુલાકાત છે, જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

પીએમ મોદી બે દિવસની અમેરિકાની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. પીએમએ કહ્યું કે, તેઓ ટ્રમ્પને મળવા અને ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે આતુર છે.

પીએમએ વોશિંગ્ટન એરપોર્ટની તસવીરો શેર કરી અને ટ્વિટર પર લખ્યું છે કે, ‘હું થોડા સમય પહેલા જ વોશિંગ્ટન ડીસી પહોંચ્યો છું. હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અને ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે આતુર છું. આપણા દેશો આપણા લોકોના હિત અને આપણા પ્લેનેટના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન એરપોર્ટથી અમેરિકી રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ બ્લેર હાઉસ પહોંચ્યા છે. આ સમય દરમિયાન તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 12-13 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.

પીએમ મોદીએ કહ્યું કે, તેઓ વોશિંગ્ટનમાં યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા છે. આ પદ પર તેમની નિમણૂક બદલ હું તેમને અભિનંદન આપું છું. ભારત-અમેરિકા મિત્રતાના ઘણા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેની તેમણે હંમેશા હિમાયત કરી છે.