December 30, 2024

મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ, PM મોદીએ લીલીઝંડી બતાવી

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. વડાપ્રધાને સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી હતી. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. તેમજ બાળકો સાથે મોદીએ વાતચીત કરી હતી.

મેટ્રો લાઇન 28 કિલોમીટર લાંબી
આ મેટ્રો રેલ લાઇનની કુલ લંબાઈ 28.2 કિલોમીટર રાખવામાં આવી છે. કુલ 22.8 કિલોમીટર મુખ્ય લાઇન અને 5.4 કિલોમીટર શાખા લાઇનનો સમાવેશ થાય છે. મુખ્ય લાઈનમાં 20 સ્ટેશન અને શાખા લાઇનમાં 2 સ્ટેશનનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ કુલ 5,384.17 કરોડ રૂપિયાનો છે. સેક્ટર-1થી મોટેરા સુધી કુલ 20.8 કિલોમીટર જેટલું અંતર થશે. જેમાં મેટ્રોના 8 સ્ટેશનના લોકાર્પણ કરવામાં આવશે. તેમાં જીએનએલયુ, રાયસણ, રાંદેશણ, ધોળાકૂવા, સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-1 સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. દરેક સ્ટેશન 140 મીટર લંબાઈ, 20.5 મીટર , પહોળાઈ 20-25 મીટર ઉંચાઈ ધરાવે છે. તેમાં 5340 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા છે. જેમાં એન્ટ્રી અને એક્ઝિટનો પણ સમાવેશ થાય છે.

દરેક સ્ટેશને મુસાફરોની વ્યવસ્થા માટે 4 લિફ્ટ અને 4 એસ્કેલેટર્સ મૂકવામાં આવ્યા છે. 0 કિલોમીટરથી લઈને 37.5 કિલોમીટર સુધી ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ઓછામાં ઓછું 5 રૂપિયા અને વધુમાં વધુ 40 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.