June 28, 2024

અનામત મુદ્દે દેશને એલર્ટ કરું છું; SC-ST, OBCને અંધારામાં રાખીને લૂંટવામાં આવ્યાંઃ PM Modi

નવી દિલ્હીઃ દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ચૂંટણીના આ છેલ્લા તબક્કા હેઠળ 1 જૂને મતદાન થવાનું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનામત અને વિપક્ષના હુમલા સહિત અનેક સળગતા મુદ્દાઓ પર વાત કરી છે.

PM મોદીએ ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેઓ લોકોને અનામત અંગે સાવધાન કરી રહ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, આ ચૂંટણીમાં અનામત આટલો મોટો મુદ્દો કેવી રીતે બન્યો? તેના પર પીએમ મોદીએ કહ્યું કે, હું અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને અત્યંત પછાત વર્ગના ભાઈ-બહેનોને અનામત અંગે ચેતવણી આપી રહ્યો છું. કારણ કે આ લોકો તેમને અંધારામાં રાખીને લૂંટ કરી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે, મને લાગ્યું કે મારે દેશવાસીઓને આ સમયે જે સંકટ ચાલી રહ્યું છે તેનાથી વાકેફ કરવા જોઈએ. તેથી જ હું આગ્રહપૂર્વક જનતાને સમજાવું છું. વાસ્તવમાં બે વસ્તુઓ થઈ રહી છે. એક ભારતના બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તે પણ વોટબેંકના રાજકારણ માટે.

તેમણે કહ્યું કે, મને યાદ છે કે મેં એક વખત ગૃહમાં કોંગ્રેસના નેતાઓને સાંભળ્યા હતા. તેઓ કહેતા હતા કે, તમે પીએસયુનું ખાનગીકરણ કરી રહ્યા છો. તમે આરક્ષણ કાઢી નાખવા માગો છો. હવે આમાં કોઈ હકીકત નહોતી, તેઓ ફક્ત ગપસપ કરતા હતા. પણ મને થયું કે એ લોકો પોતાને દલિતો અને આદિવાસીઓના આવા મહાન શુભચિંતકો કહે છે. હકીકતમાં તેઓ તેમના સૌથી મોટા દુશ્મનો છે. તેમણે શૈક્ષણિક સંસ્થાઓને રાતોરાત લઘુમતી સંસ્થાઓમાં ફેરવી નાંખી. હવે જ્યારે લઘુમતી સંસ્થા બનાવવામાં આવી ત્યારે તેમણે અનામતનો અંત લાવ્યો. તેમણે યુનિવર્સિટીને લઘુમતીનો દરજ્જો પણ આપ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે તેમણે દિલ્હીની જામિયા માલિયા યુનિવર્સિટીને લઘુમતીનો દરજ્જો આપ્યો ત્યારે તેમાં તમામ આરક્ષણો સમાપ્ત થઈ ગયા હતા. પ્રવેશ અને નોકરીઓમાં અનામત પણ સમાપ્ત થઈ ગઈ હતી. હવે એવી બાબતો સામે આવી છે કે, લગભગ દસ હજાર એવી સંસ્થાઓ છે, જ્યાં એસસી, એસટી અને ઓબીસીના અનામત અધિકારો પાછલા બારણેથી છીનવી લેવામાં આવ્યા હતા. બંધારણની પીઠમાં છરો ભોંકવામાં આવ્યો છે. બાબા ભીમસાહેબ આંબેડકરે જે સપનું સેવ્યું હતું, તેને મતબેંકની રાજનીતિ માટે ગીરવે મૂકી દીધું છે. આ ચિંતાજનક છે અને જ્યારે આ બાબતો મારા ધ્યાન પર આવી ત્યારે મને લાગ્યું કે દેશને જાણ કરવાની મારી જવાબદારી છે.