આવતીકાલે ‘પરીક્ષા પે ચર્ચા’નો કાર્યક્રમ, CM વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ
અમદાવાદઃ સોમવારે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાશે. ગુજરાતની 40 હજાર શાળાઓના 61.50 લાખ વિદ્યાર્થીઓ સહભાગી થશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનારા 14.30 લાખ વિદ્યાર્થીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના છાત્રો સાથે પ્રેરક સંવાદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષા માર્ગદર્શન માટે પ્રેરણા આપવા શરૂ કરેલા ‘પરીક્ષા પે ચર્ચા’ની આઠમી શ્રેણી દેશભરમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના છાત્રો સાથે સોમવાર 10મી ફેબ્રુઆરીએ પ્રેરક સંવાદ ગોષ્ઠિ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તણાવમુક્ત પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની અભિનવ પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી સોમવાર 10મી ફેબ્રુઆરીએ યોજાવવાની છે. પ્રધાનમંત્રીના પરીક્ષા પે ચર્ચાના આ રાષ્ટ્રવ્યાપી પ્રેરણા સંવાદનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ થવાનું છે.
ગુજરાતમાં ધોરણ 10 અને 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહના કુલ 14 લાખ 30 હજાર વિદ્યાર્થીઓ સહિત ધોરણ 6થી 12 સુધીના વર્ગોના સમગ્ર 61.49 લાખ વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રેરણા માર્ગદર્શન તેમની આગામી પરીક્ષાઓના સંદર્ભમાં મેળવશે. પરીક્ષા પે ચર્ચાનો આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ 10 ફેબ્રુઆરી 2025,સોમવારે સવારે 11 કલાકે યોજાવવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિસરમાંથી છાત્રો સાથે પરીક્ષાને અનુલક્ષીને વાર્તાલાપ કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી આ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા સાથે શાળા પરિસરમાં વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા સંવાદ-માર્ગદર્શનનું પ્રસારણ નિહાળવામાં પણ સહભાગી થવાના છે.
વડાપ્રધાન પ્રેરિત પરીક્ષા પે ચર્ચાના આ વર્ષના સંવાદ માર્ગદર્શનમાં વડાપ્રધાન ઉપરાંત આધ્યાત્મિક અગ્રણી સદ્ગુરુ, જાણીતા કલાકારો તેમજ ઓલમ્પિયન મેરી કોમ અને પેરા ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિનર અવની લેખારા જેવી ખ્યાતનામ અને પ્રભાવશાળી હસ્તીઓ પણ પરીક્ષાર્થીઓને પ્રેરણા પૂરી પાડે તેવું આયોજન કરાયું છે. વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચાના આ ઉપક્રમમાં દેશના રાજ્યોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પરીક્ષાર્થીઓના માતા-પિતા સાથે લાઇવ સત્રમાં વાર્તાલાપ કરશે અને પરીક્ષાઓ વિષયક માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ-નગરોના મળીને 40 હજાર પેરેન્ટ્સ માતા-પિતાએ પણ વડાપ્રધાનનું માર્ગદર્શન મેળવવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે.