December 23, 2024

PM મોદીની કુવૈત મુલાકાતમાં ભારતને શું ફાયદો? જાણો તમામ માહિતી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની તેમની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થયા છે. અગાઉ PM મોદી અને કુવૈતના મહામહિમ અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહ વચ્ચે કુવૈતમાં થયેલી બેઠકમાં વેપાર, રોકાણ, ઉર્જા, સંરક્ષણ, સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને ટેક્નોલોજી સહિતના ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા થઈ હતી. આ સાથે પીએમ મોદીએ તેમના સમકક્ષ શેખ અહેમદ અલ-અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ સાથે પણ વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના બીજા દિવસે ભારત અને કુવૈત તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા માટે સંમત થયા હતા.

સંસ્કૃતિ, રમતગમત અને સૌર ઉર્જા ક્ષેત્રે કરારો થયા

  • ભારત અને કુવૈત વચ્ચે સંરક્ષણ સહયોગ પરના એમઓયુ આ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધોને સંસ્થાકીય બનાવશે. આમાં તાલીમ, કર્મચારીઓ-નિષ્ણાતોને એકબીજાને મોકલવા, સંયુક્ત લશ્કરી કવાયત, સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગ, સંરક્ષણ સાધનોની સપ્લાય અને સંશોધન અને વિકાસમાં સહયોગનો સમાવેશ થાય છે.
  • બંને દેશોએ 2025-2029 વચ્ચે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અંતર્ગત કલા, સંગીત, નૃત્ય, સાહિત્ય અને નાટ્ય વગેરેનું આયોજન કરવામાં આવશે. સાંસ્કૃતિક વારસાના જતનમાં સહકાર આપવામાં આવશે.
  • 2025-2028 વચ્ચે રમતગમત ક્ષેત્રે સંમત કાર્યકારી કાર્યક્રમ મુજબ રમતગમતના નેતાઓની મુલાકાતો થશે. જેમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં ભાગ લેવો, સ્પોર્ટ્સ મેડિસિન, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ મીડિયા, સ્પોર્ટ્સ સાયન્સ વગેરેમાં કુશળતાની આપ-લેનો સમાવેશ થાય છે.
  • ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)માં કુવૈતના સભ્યપદ માટે એક મેમોરેન્ડમ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ જોડાણ સૌર ઊર્જાના ઉપયોગ દ્વારા ઓછા કાર્બન ઉત્સર્જન સાથે વિકાસના માર્ગ પર આગળ વધવામાં સભ્ય દેશોને સામુહિક રીતે મદદ કરે છે.

કુવૈતી સમકક્ષ સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરી
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, વાતચીત દરમિયાન બંને નેતાઓએ રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સંરક્ષણ, સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ, ટેકનોલોજી, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો સહિતના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી. મજબૂત કરવા માટેના રોડમેપ પર ચર્ચા કરી.

વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે, બંને નેતાઓએ આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો. વડાપ્રધાન મોદીએ કુવૈતી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને અન્ય હિતધારકોના પ્રતિનિધિમંડળને ઉર્જા, સંરક્ષણ, તબીબી ઉપકરણો, ફાર્મા, ફૂડ પાર્ક સહિતના ક્ષેત્રોમાં નવી તકો જોવા માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું.

અમીર-PMને ​​ભારત મુલાકાત માટે આમંત્રણ
PM મોદી સાથેની તેમની મુલાકાત દરમિયાન અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે કુવૈતના વિકાસમાં વિશાળ અને ગતિશીલ ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી. મહામહિમ અમીરે કુવૈત વિઝન 2035ને સાકાર કરવામાં ભારતની વધુ મોટી ભૂમિકાની આશા વ્યક્ત કરી હતી. ત્યારે વડાપ્રધાને અમીર અને વડાપ્રધાન શેખ અહમદ અલ-અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.