October 4, 2024

ડ્રગ્સ કેસમાં ફસાવા માંગતી હતી પોલીસ, CCTVએ ભાંડો ફોડ્યો: 4 પોલીસકર્મી સસ્પેન્ડ

Mumbai: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈ તમે ચોંકી જશો. વાસ્તવમાં, કેટલાક પોલીસકર્મીઓ એક શખ્સના ખિસ્સામાં ડ્રગ્સ મૂકીને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે, પોલીસકર્મીઓની આ ચાલાકી કામમાં ન આવી અને હવે પોલીસકર્મીઓ પોતે જ પોતાના ખોદેલા ખાડામાં ફસાઈ ગયા છે.

વીડિયો વાયરલ થતાં પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની કરતૂત ઘટનાસ્થળે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી
ખોટી રીતે યુવકને ફસાવવાનો પ્રયાસ કરતો CCTV વીડિયો સામે આવ્યા બાદ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે દરોડા દરમિયાન CCTV ફૂટેજમાં પોલીસકર્મીઓ એક યુવકના ખિસ્સામાં ડ્રગ્સ મુક્ત જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ડેપ્યુટી પોલીસ કમિશનર રાજતિલક રોશને જણાવ્યું કે સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં એક સબ ઈન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે ખાર પોલીસ સ્ટેશનની એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ સાથે જોડાયેલા પોલીસકર્મીઓએ શુક્રવારે સાંજે શહેરના કાલીના વિસ્તારમાં એક પ્લોટમાં દરોડો પાડ્યો હતો અને ડેનિયલ નામના વ્યક્તિની અટકાયત કરી હતી.

CCTV એ પોલીસ કર્મીઓની પોલ ખોલી 
પરંતુ, ઘટનાના CCTV ફૂટેજમાં એક પોલીસકર્મી શકમંદ યુવકના પેન્ટના ખિસ્સામાં કંઈક મૂકતો જોવા મળ્યો. એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ડેનિયલે દાવો કર્યો હતો કે પોલીસકર્મીઓએ પહેલા તેને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) કેસમાં ફસાવવાની ધમકી આપી હતી, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેમની હરકતો CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, ત્યારે તેને છોડી દીધો.

ડીસીપી રોશને વધુમાં કહ્યું કે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન નહીં કરવા, અને વીડિયોમાં જોવા મળેલ શંકાસ્પદ કરતૂતને લઈને ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેઓને તપાસ ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે , “ડ્રગ્સની માહિતી મળતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ તેઓએ જે પણ કર્યું તે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે.” ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે, ડેનિયલના એક સહયોગીએ આરોપ લગાવ્યો કે જે પ્લોટ પર આ ઘટના બની હતી તેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને તેને એક બિલ્ડરના ઈશારે નિશાન બનાવવામાં આવ્યો હતો.