February 25, 2025

દિલ્હીમાં આંબેડકર અને ભગત સિંહના ફોટાને લઈને રાજકારણ ગરમાયું, CM રેખા ગુપ્તાએ AAPના દાવા પર કર્યો પલટવાર

Delhi CM Office: આમ આદમી પાર્ટી (AAP)એ આજે આરોપ લગાવ્યો કે, દિલ્હીની સત્તારૂઢ ભાજપ સરકારે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ડૉ.ભીમરાવ આંબેડકર અને ભગત સિંહની તસવીરો હટાવી દીધી અને તેની જગ્યાએ મહાત્મા ગાંધી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને PM નરેન્દ્ર મોદીની તસવીરો લગાવી દીધી. આ દાવા પર પ્રતિક્રિયા આપતા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું, AAP આવા આરોપો લગાવીને પોતાના ‘ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ’ને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પહેલા આતિશીએ તેના X હેન્ડલ પરથી બે ફોટા શેર કર્યા, જેમાંથી એક તે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારનો હતો, જેમાં મુખ્યમંત્રીની ખુરશીની ઉપર ભીમરાવ આંબેડકર અને ભગતસિંહનો ફોટો દેખાય છે. બીજી તસવીર ભાજપ સરકારના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કાર્યાલયની હતી. જેમાં મહાત્મા ગાંધી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા તેમની ખુરશી ઉપર દેખાય છે.

જોકે, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આતિશી અને કેજરીવાલના આરોપો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે AAP નેતાઓના આવા દાવાઓ તેમના ભ્રષ્ટાચાર અને દુષ્કૃત્યો છુપાવવા માટેની રણનીતિ છે. સીએમ રેખાએ કહ્યું, ‘શું સરકારના વડાઓના ફોટા ન લગાવવા જોઈએ?’ શું દેશના રાષ્ટ્રપતિનો ફોટો ન લગાવવો જોઈએ? શું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો ન લગાવવું જોઈએ? ભગતસિંહ અને બાબા સાહેબ દેશના આદરણીય વ્યક્તિત્વ અને આપણા માર્ગદર્શક છે. તેથી, આ રૂમ દિલ્હીના મુખ્યમંત્રીનો છે અને સરકારના વડા તરીકે, અમે તેમને જગ્યા આપી છે. તેમને (આતિશી અને કેજરીવાલ) જવાબ આપવાનું મારું કામ નથી. હું લોકો પ્રત્યે જવાબદાર છું.

દિલ્હી ભાજપે X પર મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કાર્યાલયનો ફોટો શેર કર્યો અને લખ્યું, ‘દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તમામ મંત્રીઓના કાર્યલયમાં આદરણીય મહાત્મા ગાંધીજી, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જી, ભગત સિંહ જી, મહામહિમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની તસવીરો સુશોભિત છે.’ સીએમ રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી કાર્યાલયમાં તેમના તમામ મંત્રીઓ સાથે બેઠક યોજી અને બતાવ્યું કે બાબા સાહેબ આંબેડકર અને શહીદ ભગતસિંહના ચિત્રો ત્યાં છે, ફક્ત તેમનું સ્થાન બદલવામાં આવ્યું છે.