Porbandar : લાઇન ફિશીંગ અને પેરા ફિશીંગને લઈને ખારવા સમાજ રોષે ભરાયો
પોરબંદરઃ સમુદ્રમાં ચાલી રહેલા લાઇન ફિશીંગ અને પેરા ફિશીંગને લઈને ખારવા સમાજ રોષે ભરાયો છે. આ મામલે ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળના અધ્યક્ષ સ્થાને પરંપરાગત માછીમારની વ્યાખ્યા તેમજ લાઇન ફિશીંગ અને પેરા ફિશીંગ અંગે આજે સમસ્ત ખારવા સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી.
માછીમારોને નુકશાની ભોગવવાનો વારો આવે છે
પોરબંદર બોટ એસોસિએશના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ જણાવ્યું કે, માછીમાર સમાજ અને માછીમારી સંસ્થાઓ દ્વારા પરંપરાગત માછીમારની વ્યાખ્યા નક્કી કરવા અને લાઈન ફિશીંગ બંધ કરવાના સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે. લાઈન ફિશીંગ બંધ કરવાના નિયમો અને ઠરાવો કરવા છતાં તાજેતરમાં કેટલાક સ્વાર્થી અને માથાભારે બોટ માલિકો દ્વારા પોતાની મનમાની કરીને નિયમો અને ઠરાવોની અવગણનાં કરીને લાઈન ફિશીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી નાના માછીમારો-હોડીવાળા, નાની લોકલ બોટોવાળા તથા મોટી બોટોવાળાને પારાવાર નુકશાની ભોગવવાનો વારો આવે છે.
આ પણ વાંચો : Ahmedabad : DEO એ રચેલી કમિટીએ માઉન્ટ કાર્મેલ શાળાના સંચાલકો સાથે બેઠક યોજી
માથાભારે બોટ માલિક ઉપર કડક પગલા લેવા માંગ
આખા ગુજરાતની દરીયાઈ પટ્ટીના માછીમારોની રોજીરોટી અને પરિવારનાં ભરણ પોષણ પર ખૂબ જ માઠી અસર થઈ રહી છે. આવા સ્વાર્થી અને લાલચૂ બોટ માલિક અને ટંડેલ, ખલાસીઓ ઉપર પોરબંદર માછીમાર બોટ એસોસીએશન નિગરાણી રાખીને લાઈન ફિશીંગ કરતા લોકોને પકડીને તેમની ઉપર કાર્યવાહી કરી રહી છે, જે અન્ય બંદરોનાં આગેવાનની ફરજ છે. આ પ્રકારની લાઈન ફિશીંગ સંપૂર્ણ પણે બંધ થાય અને ફરી વખત ચાલુ ન થાય તે માટે લાઈન ફિશીંગ કરનારા સ્વાર્થી અને માથાભારે બોટ માલિક ઉપર કડકમાં કડક પગલા લેવા માટે સમસ્ત ખારવા સમાજના ગુજરાત પ્રમુખ પવનભાઈ શિયાળના અધ્યક્ષ સ્થાને સમગ્ર ગુજરાતના માછીમાર સમાજ અને માછીમારી સંસ્થાની આજે મિટિંગ યોજવામાં આવી હતી.