પોરબંદરના પશુપાલક પાસે છે ‘શિવશક્તિ’ કિન્નર ગાય, અનંત અંબાણી પણ જોઈને આશ્ચર્યચકિત

સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદરઃ સામાન્ય રીતે મનુષ્યોમાં કિન્નર હોય છે અને તેમનો અલગ સમાજ જ હોય છે, પરંતુ પશુઓમાં અને તે પણ ગાયની પ્રજાતિમાં કિન્નર હોય તેવું હજુ સુધી ક્યારેય જોવા મળ્યું નથી. ત્યારે પોરબંદરના છાયા પંચાયત ચોકી પાસે રહેતા માલધારી દેવાભાઈ ઉલવાને ત્યાં કિન્નર ગાય છે. જેને દેવાભાઈ ગોવર્ધન કિન્નર તરીકે સંબોધન કરે છે. તેમણે આ ગાયનું નામ શિવશક્તિ રાખ્યું છે. હાલ તેની ઉંમર ચારેક વર્ષની છે.
દેવાભાઈ અને તેનો પરિવાર આ ગાયને ખૂબ જ શુભ માને છે અને દરરોજ તેની પૂજા કરે છે. આ ઉપરાંત ખોરાકમાં પણ તેને વિવિધ ફળો અને સુકામેવાનો ખોરાક આપે છે. આમ પણ પશુપાલકોને ગૌમાતા ખૂબ પ્રિય હોય છે. ત્યારે આ અનોખી ગાય તેમના પરિવાર ઉપરાંત આસપાસના લોકોમાં પણ ખૂબ જ પ્રિય બની છે. તાજેતરમાં અનંત અંબાણી દ્વારકા સુધીની પદયાત્રાએ આવ્યા હતા, ત્યારે દેવાભાઈ આ ગાયને સાથે રાખી તેમને મળવા ગયા હતા.
ત્યારે અનંત અંબાણીએ પણ આ પ્રકારની ગાય નિહાળી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને દેવાભાઈનો નંબર લઈ વહેલીતકે તેમનો સંપર્ક કરશે તેવું જણાવ્યું હતું. આ ગૌમાતા વિષે માહિતી મળતા અનેક લોકોએ કરોડો રૂપિયામાં તેને ખરીદવાની પણ ઓફર કરી છે. પરંતુ દેવાભાઈ આ ગાયને શુભ માનતા હોવાથી તેમણે વેચવાની ના પાડી દીધી છે.