October 8, 2024

મનસુખ માંડવિયાનો 6 વર્ષ જૂનો વીડિયો વાયરલ કરવા મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ

porbandar mansukh mandaviya 6 years old video viral election commission filed complaint

મનસુખ માંડવિયા - ફાઇલ તસવીર

પોરબંદરઃ લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાના છ વર્ષ જૂનો વીડિયો વાયરલ કરવા મામલે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. આ પ્રકારના વીડિયો વાયરલ કરી ભાજપની છબી ખરડવા માગતા હોવાનો અને સામાજિક શાંતિ, સૌહાર્દ તથા ભાઈચારાને તોડીને વિરોધીઓને રાજકીય લાભ પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ મામલે પોરબંદર જિલ્લા ભાજપે જણાવ્યુ છે કે, પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયા ખૂબ જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતા છે. છેલ્લા 22 વર્ષથી જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત રહ્યા છે. તેમજ છેલ્લા 8 વર્ષથી કેન્દ્રમાં મંત્રી છે.

વાયરલ થયેલા વીડિયોને કારણે માંડવિયાના સમર્થકો, શુભેચ્છકો, મિત્રો અને ચાહક વર્ગમાં ખૂબજ ગંભીર પ્રત્યાઘાતો પડ્યા છે. તેને ધ્યાને લઈને પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા ભાજપની ફરિયાદના પગલે ઘણાં ઇસમોએ વીડિયો ડિલિટ કરી નાંખ્યો છે.

પોરબંદર જિલ્લા ભાજપ કોઇપણ પ્રકારની આવી ગેરપ્રવૃત્તિ ચલાવી નહીં લે, તેવી કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદર પાસે તટસ્થ ન્યાયિક ચૂંટણી યોજવાની માગણી કરી છે. અફવાથી સમાજને થનારા નુકશાનથી બચાવવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ AAPના પૂર્વ મંત્રીની CM કેજરીવાલ વિરુદ્ધ HCમાં અરજી

હાલ આ મામલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ શકે છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એકટ હેઠળ અફવા ફેલાવવી ગંભીર ગુનો છે. તેમાં 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આવા ખોટા વીડિયો અને જૂના વીડિયો વાયરલ કરી અફવા ફેલાવાઈ છે, એવા એકાઉન્ટની યાદી પણ ચૂંટણી અધિકારીને સોંપવામાં આવી છે. પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા તૂતૂ-મેંમેં નહીં પરંતુ કાયદાકીય ચૂંટણી લડવાની રણનીતિ અપનાવવામાં આવી છે. આ ફરિયાદ પરથી ભાજપની રણનીતિ સ્પષ્ટ દેખાઈ છે કે, પોતે નેગેટીવ ન્યૂઝ ફેલાવશે નહીં અને કોઈ નેગેટીવ ન્યૂઝ ફેલાવે તો તેની સામે કાયદાકીય પગલાં લેશે.