ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાને લઈને તૈયારીઓ પૂર્ણ, આવતીકાલથી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે

સાગર ઠાકર, જૂનાગઢ: ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રીના મેળાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. આવતીકાલે નોમથી ચતુર્દશી એમ પાંચ દિવસ સુધી ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. ભવનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણથી મેળાનો વિધિવત પ્રારંભ થશે. જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો સાધુ સંતોનો પણ મેળો છે, મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ થાય છે આ મેળામાં તમામ સાધુ સંતોએ ભાવિકોને સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક નહીં લાવવા અપીલ કરી છે.
મહાશિવરાત્રીના પાંચ દિવસના મેળાને લઈને વહીવટીં તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી તૈયારીઓ ચાલતી હોય છે. લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં હોય ત્યારે મેળાનું સુચારૂ આયોજન અને સુરક્ષા વ્યવસ્થા મહત્વની બની રહે છે, જેના માટે સરકારના તમામ વિભાગો દ્વારા પુરતી તૈયારી કરવામાં આવી છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાનું સુચારૂ આયોજન કરાયું છે. એસટી બસો સહિતના આવાગમનની વ્યવસ્થા સાથે મનપા દ્વારા સફાઈ, પાણી અને રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. પીજીવીસીએલ દ્વારા લાઈટ તથા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે. મહાશિવરાત્રીના મેળાના પાંચ દિવસ દરમિયાન વહીવટીં તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે અને સમગ્ર ભવનાથ વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠે તેવી લાઈટીંગ કરવામાં આવી છે.
ખાસ કરીને મેળામાં જ્યારે લાખો ભાવિકો આવતાં હોય ત્યારે ટ્રાફિક અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચાલુ વર્ષે સૌ પ્રથમવાર એઆઈ ટેકનોલોજી સાથે મહત્તમ ટેકનોલોજીનો સુરક્ષા હેતુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ સ્ટાફ માટે બંદોબસ્ત અને લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા અંગે ક્યુઆર કોડ જનરેટ કરાયા છે જેને લઈને સમગ્ર માહિતી ડીજીટલી ઉપલબ્ધ થાય છે, અઢી હજારથી વધુ પોલીસ જવાનો મેળાની સુરક્ષા માટે તૈનાત રહેશે, સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરાથી સતત મોનિટરીંગ કરવામાં આવશે, મેળાના રૂટ પર પોલીસની રાવટી કાર્યરત કરાઈ છે અને મેળા રૂટ પર વન વે કરવામાં આવ્યા છે જેથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય.
ચાલુ વર્ષે મહાકુંભ મેળો પણ ચાલી રહ્યો છે તેમ છતાં જૂનાગઢમાં સાધુ સંતોનું આગમન થવા લાગ્યું છે. મહાશિવરાત્રીના દિવસે ભવનાથમાં નાગા સાધુની રવાડી નીકળે છે અને રવાડી બાદ મૃગીકુંડમાં સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ થાય છે, ભવનાથમાં ઠેરઠેર સાધુ સંતો ધૂણી ધખાવી પાંચ દિવસ જપ તપ કરશે. સ્થાનિક સાધુ સંતો પણ મેળાને લઈને વ્યવસ્થા કરે છે, આશ્રમોમાં પાંચ દિવસ સતત અન્નક્ષેત્ર ધમધમે છે. ગિરનારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય તથા લાખો ભાવિકો આવતાં હોય ત્યારે સ્વચ્છતા જળવાઈ તે પમ જરૂરી હોય તમામ સાધુ સંતોએ એક સૂર વ્યક્ત કર્યો હતો અને લોકોને પ્લાસ્ટિક નહીં લાવવા તથા સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. તો જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાની શૈલીમાં લોકોને સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક નહીં લાવવા અપીલ કરી છે.