અંબાજી ભાદરવી પૂનમ મહામેળાની તડામાર તૈયારીઓ, હંગામી પ્લોટસની હરાજી કરાઇ
બનાસકાંઠા: માં દુર્ગાના 51 શક્તિ પીઠોમાંના એક એવા બનાસકાંઠા જિલ્લામાં આવેલ યાત્રા અંબાજી ખાતે દર વર્ષે ભવ્ય ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. આ મહામેળામાં દરવર્ષે ગુજરાતભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી આવતા હોય છે. આ વખતે 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મેળાને લઈને બનાસકાંઠા જિલ્લા વહીવટી, અંબાજી નગરપાલિકા અને દાંતા તાલુકા પંચાયત દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળામાં પડતા હંગામી પ્લોટોની હરાજી શરૂ કરવામાં આવી છે.
યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ 12/09/2024થી તા. 18/09/2024 સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. દર વર્ષે લાખો પદયાત્રિકોમાં અંબાના ધામમાં દર્શનાર્થે પધારે છે. મેળા દરમિયાન આવતા યાત્રિકોની જરૂરિયાત વાળી ચીજવસ્તુ મળી રહે તે માટે તાલુકા પંચાયત દ્વારા હંગામી પ્લોટની હરાજી કરવામાં આવે છે. જેમાં મેળામાં સ્થાનિક તેમજ બહારનાં વેપારીઓ વેપાર ધંધા માટે પ્લોટમાં દુકાન લગાવે છે.
વધુમાં, સ્થાનિક વેપારીઓને નાના-મોટા ધંધા કરીને રોજગારી મળી રહે માટે હંગામી પ્લોટ પાડવામાં આવે છે . હરાજીમાં બહારગામના વેપારીઓ પણ ભાગ લેતા હોય છે. પ્લોટની હરાજીમાં આ વર્ષે 280 હંગામી પ્લોટો પાડવામાં આવ્યા છે. જેમાં, પ્રથમ પ્લોટની હરાજી 1 લાખ 1 હજારથી શરૂઆત થઈ હતી. પ્લોટની હરાજીમાં આવેલી રકમ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં આપવામાં આવશે. જેનો ઉપયોગ મેળામાં આવતા યાત્રિકોની સુખ સુવિધાઓ માટે વપરાશે. આ વર્ષે અંદાજિત 50 લાખ કરતા વધુ પ્લોટોની હરાજીમાં રકમ આવશે. હંગામી પ્લોટોમાં સખી મંડળ અને ગૃહ ઉદ્યોગના પણ લાગે છે. સ્ટોલો તમામ પ્લોટોની હરાજી SDM અધિકારીની દેખરેખમાં થતી હોય છે.