July 4, 2024

ચારધામ જતા પહેલાં આટલું જાણી લેજો

Prime 9 With Jigar: સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા પર જઈ રહ્યા છે. જોકે, ચારધામ યાત્રા માટે તમારે કેટલીક કાળજી અચૂક લેવી જોઈએ. ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કેદારનાથ અને અમરનાથ સહિતના ધામોનાં દર્શન કરી રહ્યા છે.

શ્રદ્ધાળુઓને મુશ્કેલી

  • કેદારનાથમાં હિમસ્ખલનથી શ્રદ્ધાળુ ફસાયા.
  • બરફનો પહાડ અચાનક તૂટી પડતા રોડ બ્લૉક.
  • ઘણા ગુજરાતીઓ ફસાયા.
  • એક મહિના પહેલાં આવી જ ઘટના બની હતી.

ચારધામ યાત્રાની શરૂઆત કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોના કપાટ ખુલવા સાથે થઈ. જેના પછી ગંગોત્રી જવાના રસ્તે રોડ બ્લૉક થતાં શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા હતા.

શ્રદ્ધાળુઓ ફસાયા

  • ચારધામ યાત્રામાં હતી ભારે ભીડ.
  • ગુજરાતી પ્રવાસીઓ ગંગોત્રી અને યમુનોત્રીમાં અટવાયા.
  • ગંગોત્રી જવાના માર્ગે રસ્તે 15 કિમી જેટલી વાહનોની લાંબી લાઇન.
  • કેદારનાથમાં આટલા મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ફસાયા નથી.
  • સદનસીબે સવારે 5 વાગ્યે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
  • ઊંચાઈ પરના પર્વતોમાં મોટાભાગના વિસ્તારોમાં બરફથી ઢંકાયેલા.
  • પહાડો પરનો બરફ અચાનક ઝડપથી નીચે તરફ પડે.

ઉત્તરાખંડમાં આવેલાં હિન્દુઓનાં ચાર પવિત્ર ધર્મસ્થાનો બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને જમનોત્રીને ઉત્તરાખંડનાં ચાર ધામ કહેવાય છે. આ પૈકી ગંગોત્રી અને યમુનોત્રી હિમાલયમાં સૌથી ઉપર આવેલાં છે જ્યારે કેદારનાથ અને બદરીનાથ તેનાથી ઓછી ઊંચાઈ પર છે. જોશીમઠ બદરીનાથનું પ્રવેશદ્વાર મનાય છે.

જોશીમઠમાં જોખમ

  • ચારધામની યાત્રા માટે જોશીમઠ થઈને જ જવું પડે.
  • જોશીમઠમાં મકાનો બેસી જાય તો રસ્તો બંધ થઈ જાય.
  • બદરીનાથ, હેમકુંડ કે ફ્લાવર વેલીમાં ના જઈ શકાય.
  • ઋષિકેશ સહિતનાં કોઈ પણ ધાર્મિક સ્થળે પણ ના જઈ શકાય.
  • જોશીમઠ ચારધામની યાત્રાનું પ્રવેશધામ.
  • બદરીનાથ અને કેદારનાથથી લગભગ 40-50 કિલોમીટર પહેલાં આવે.
  • હિન્દુઓ માટે આ ચારેય ધામ પવિત્ર.
  • મોટા પ્રમાણમાં હિન્દુઓ ચાર ધામની યાત્રાએ જાય.

હિન્દુઓ માટે આ યાત્રાધામ કેટલાં પવિત્ર છે તેનો અહેસાસ એ વાત પરથી થાય કે, ગયા મહિનાની શરૂઆતમાં કેદારનાથના દ્વાર ખૂલ્યાં પછી ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. પહેલાં અઠવાડિયામાં લગભગ 6 લાખ ભક્તોએ દર્શન કર્યા …..10થી 31મે દરમ્યાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જ્યોતિર્લિંગના દર્શન કરવા ગયાં આટલા મોટા પ્રમાણમાં ભીડ જામે છે તેનું કારણ એ છે કે, આ ચાર ધામ બારેય મહિના ખુલ્લાં રહેતાં નથી પણ ઉનાળાના ચોક્કસ મહિનાઓમાં જ ખૂલે છે. બાકીના મહિના બરફ હોય છે. તેથી એવી કાતિલ ઠંડી પડે છે કે, સામાન્ય માણસ ટકી ના શકે. આ વ્યવસ્થા બહું સમજદારીપૂર્વક કરાઈ હતી અને આ વ્યવસ્થાને અનુસરાતું હતું ત્યાં લગી વાંધો નહોતો પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ વ્યવસ્થા સાથે છેડછાડ થાય છે. સામાન્ય રીતે જૂન મહિનો શરૂ થાય એ પહેલાં ઉત્તરાખંડમાં યાત્રા બંધ કરી દેવાતી હતી. હવે છેક જુલાઈ શરૂ થાય ત્યાં સુધી યાત્રા ચાલુ રખાય છે કે જેથી આવક વધારે થાય.

શા માટે જુલાઈ ભારે છે ?

  • ઉત્તરાખંડમા હિમાલયમાં ભારે વરસાદના કારણે જુલાઈમાં પૂરની શરૂઆત.
  • જૂન પછી જવું હિતાવહ નથી.
  • આમ છતાં લોકો જાય છે અને ફસાય છે.
  • સામાન્ય રીતે એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ચારધામની યાત્રા શરૂ થાય.
  • એની આસપાસનો એકાદ મહિનાનો સમયગાળો જ ઉત્તરાખંડ માટે શ્રેષ્ઠ કહેવાય.
  • ઉત્તરાખંડનાં કોઈ પણ સ્થળે જવું હોય તો માર્ચથી મે શ્રેષ્ઠ.
  • આ સમયગાળામાં હવામાન સાફ હોય છે, વરસાદ ભાગ્યે જ પડે.
  • ફસાઈ જવાની શક્યતા પ્રમાણમાં ઓછી રહે.
  • સમયગાળામાં જવામાં જોખમ ઓછું.
  • જોખમનું કારણ ગ્લોબલ વોર્મિંગ.
  • ઉત્તરાખંડની ઈકોસિસ્ટમને પહોંચાડવામાં આવેલી હાનિ પણ એક કારણ.
  • ઉત્તરાખંડમાં ક્યારે કુદરતી આફત આવી જાય એ નક્કી નથી હોતું.

આ સંજોગોમાં હવામાનની પૂરતી માહિતી મેળવી હોય તો પણ ફસાઈ જવાય એવું બને કેમ કે બધા કિસ્સામાં લોકો હવામાનના કારણે નથી ફસાતા. બલકે મોટા ભાગના કિસ્સામાં ભેખડો ધસી પડવા, હિમશીલા તૂટી પડવા જેવાં કારણોસર ફસાય છે. આ સમસ્યાનું મૂળ જમીનના સ્તરની સાથે કરાયેલી છેડછાડ જવાબદાર છે.

શા માટે માણસ જ જવાબદાર ?

  • જોશીમઠથી બદરીનાથ-કેદારનાથ સુધીનો આખો પટ્ટો અત્યંત સંવેદનશીલ.
  • આમ છતાં અહીં હજુ પણ મોટા પાયે ભારે એક્ટિવિટીઝ.
  • આખું ઉત્તરાખંડ આ પહેલાં ઉત્તર પ્રદેશનો ભાગ હતો.
  • ઉત્તરાખંડની ઈકોસિસ્ટમ સાથે છેડછાડ.
  • ઉત્તરાખંડ પહાડી પ્રદેશ છે પણ આ પહાડો નક્કર નથી.
  • પહાડો માટીના બનેલા, જેથી બરફ પીગળે ત્યારે માટી ધોવાય.
  • માટી ધોવાય નહીં એટલે તેને બાંધી રાખવી જરૂરી.
  • ખોદકામ થાય એટલે માટી બંધાયેલી રહેતી નથી.
  • વર્ષોથી ચાલતા કન્સ્ટ્રકશન અને કહેવાતાં વિકાસ કાર્યોના પગલે ભૂસ્ખલન.
  • જેના પરિણામે જમીન ધસી પડવાની ઘટનાઓ વધતી જ જાય.
  • ઘણા વિસ્તારોમાં તો નીચેની આખી જમીન જ પોલી થઈ ગઈ.
  • ઉત્તરાખંડમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન.
  • રાજ્ય સરકાર દ્વારા શહેરીકરણ કરીને નવી યોજનાઓનો અમલ.
  • હોટલો, ગેસ્ટહાઉસ, ફેક્ટરીઓ, કોલોનીઓનું નિર્માણ.
  • પ્રાકૃતિક સ્રોતનો વિનાશ અને જમીનનું સંતુલન ખોરવાઈ ગયું.
  • પર્યાવરણ અને ભૂસ્તરમાં થયેલા ફેરફારોના કારણે ભૂગર્ભીય ગરબડ થઈ.
  • ઉત્તરાખંડમાં 1975 પહેલાં કોઈ નવા બાંધકામોને મંજૂરી નહોતી મળતી.

બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે ઉત્તરાખંડમાં જોખમનાં કારણો તમને જણાવી રહ્યાં છીએ. 1970ના દાયકાની શરૂઆતમાં ચમોલીમાં આવેલા અત્યંત ભીષણ બેલાકુચીના પૂર પછી સતત ભૂ-સ્ખલનની ઘટનાઓ વધતી જતી હતી તેથી બાંધકામો મંજૂર નહોતાં કરાતાં. આ સ્થિતિને વળગી રહેવાની જરૂર હતી પણ તેના બદલે 1975માં કૉંગ્રેસ સરકારને વિકાસની ચાનક ચડી તેમાંથી મુશ્કેલીઓ શરૂ થઈ.

વિકાસના નામે પર્યાવરણનો રકાસ

  • જોશીમઠ સહિતનાં વિસ્તારોમાં વિકાસ કાર્યો સામે લોકોનો ઉગ્ર વિરોધ.
  • ભૂસ્તરશાસ્ત્રીઓએ પણ વારંવાર ચેતવણી આપી.
  • 1975માં ઉત્તરાખંડમાં જોશીમઠ સહિતના પટ્ટામાં શ્રદ્ધાળુઓ માટે બાંધકામોને મંજૂરી.
  • ભૂસ્તરશાસ્ત્રીઓએ ચેતવ્યા હતા કે, ચમોલીની ઘટનાનું પુનરાવર્તન થશે.
  • 1970ના દાયકાની શરૂઆતમાં ચમોલીના બેલાકુચીના ભીષણ પૂર.

ઉગ્ર વિરોધ થતાં UP સરકારે ગઢવાલના કમિશનર મુકેશ મિશ્રાના પ્રમુખસ્થાને જોશીમઠના સર્વે માટે પંચ બનાવ્યું હતું. આ પંચને જમીનના સર્વેક્ષણ કરવાનું કામ સોંપાયું. 1975માં બનાવાયેલા મિશ્રા પંચમાં ભૂસ્તરશાસ્ત્રી, એન્જિનિયર, વહીવટીતંત્રના અનેક અધિકારીઓનો સમાવેશ કરાયો હતો. એક વર્ષ પછી એટલે કે 1976માં મિશ્રા પંચે તેનો રિપોર્ટ સરકારને સોંપ્યો તેમાં સ્પષ્ટ કહેવાયું હતું કે, જોશીમઠની તળેટીમાં કોઈ મોટા પ્રોજેક્ટ કરી શકાય તેમ નથી. આ પંચની કેટલીક ભલામણો અમે તમને જણાવીશું.

ચેતવણી આપવામાં આવી

  • વિસ્ફોટ, માઈનિંગ શહેર માટે જોખમી બની શકે.
  • જોશીમઠ પછીના વિસ્તારમાં તો બાંધકામ જ નહીં કરવાની ચેતવણી.
  • જોશીમઠ પ્રાચીન ભૂસ્ખલન વિસ્તારમાં સામેલ.
  • શહેર પર્વત પરથી નીચે આવેલા પથ્થર અને માટીના ઢગલા પર બન્યું.
  • શહેર ગમે ત્યારે માટી સરકી શકે.
  • જોશીમઠ પછીના વિસ્તારમાં બરફ વધારે.
  • જોશીમઠની જમીન પણ બરફ પીગળે ત્યારે ગમે ત્યારે સરકી શકે.
  • ઢોળાવ પર ખોદકામ કે વિસ્ફોટ કરીને મોટા પથ્થરો નહીં કાઢવાની ભલામણ.
  • જોશીમઠના પાંચ કિલોમીટરની અંદર કોઈ પણ બાંધકામનો કાટમાળ ન ફેંકવો.
  • નવા બાંધકામોને મંજૂરી ના આપવી.

UP સરકારે થોડો સમય આ વાતો માની પણ પછી રિપોર્ટને અભરાઈ પર ચડાવીને આડેધડ બાંધકામ શરૂ કરી દેવાયાં. વિકાસના નામે ખોદકામ શરૂ થયાં. બાકી હતું એ જોશીમઠ અને બદરીનાથ વચ્ચે NTPCનો પાવર પ્રોજેક્ટ આવી ગયો. જમીનના સ્તરને કોઈ રીતે છંછેડવાનું જ નહોતું ત્યારે અહીં તો આખો પાવર પ્રોજેક્ટ ઉભો કરી દેવાયો છે. ઉત્તર પ્રદેશ અને પછી બનેલા ઉત્તરાખંડની સરકારોએ મિશ્રા પંચની ઐસીતૈસી કરીને આખા વિસ્તારને સર્વનાશના આરે લાવીને મૂકી દીધો છે. ઉત્તરાખંડની સરકારો માત્ર મિશ્રા પંચની ભલામણોને ન માની. જોકે, એકાદ દાયકા પહેલાં ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આપેલી ચેતવણીને પણ અવગણી.

ચેતવણીનાં સંકેતોને અવગણાયા

  • 2013માં જોશીમઠ અને એની આસપાસનાં ગામોમાં મકાનોમાં તિરાડો પડી.
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પાંચસોથી વધારે ગામોનો સરવે કર્યો.
  • રિપોર્ટમાં ચેતવણી અપાઈ હતી કે, આ વિસ્તારમાં 484 ગામને ખતરો.
  • ગામનાં લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાં જરૂરી.
  • આ ચેતવણીના પગલે સરકારે થોડાંક ઘરોને ખાલી કરાવ્યાં.
  • 484 ગામોની હાલત ખરાબ થઈ ગઈ.
  • ખતરાનું કારણ અહીંની જમીનનું બંધારણ.
  • જોશીમઠ હિમાલયના ઇકો-સેન્સિટિવ ઝોનમાં સામેલ.

ભૂસ્તરશાસ્ત્રીઓએ પોતાના સંશોધનમાં વાંરવાર ચેતવણી આપેલી છે કે, ઉત્તરાખંડના બદરીનાથ અને કેદારનાથ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં આવતાં મોટા ભાગનાં ગામો ગ્લેશિયર પર વસેલાં છે.

અત્યારે લોકો વસેલાં છે અને વસાહતો ઊભી કરાઈ છે ત્યાં એક સમયે હિમનદીઓ હતી. હિમનદીઓ પીગળે ત્યારે પાણી નીચેની તરફ જતું પણ તેનો કાટમાળ રહી ગયો. હિમનદીઓની સાથે ખડકો અને માટીના સ્તર પણ હતા. આ ખટકો, માટી અને કચરાનો થર જામતો ગયો તેમાંથી પર્વત બની ગયો. આ રીતે બનેલા પર્વતને મોરેન કહે છે પણ આ પર્વત પોલા હોય છે તેથી ગમે ત્યારે તેની જમીન ધસી શકે. જ્યાં સુધી જમીનના સ્તરને નુકસાન ના કરાયું ત્યાં સુધી કંઈ ના થયું પણ જેવું આડેધડ ખોદકામ કરીને જમીનને નુકસાન કરવાનો ખેલ શરૂ થયો કે તરત જ પોલી જમીન બેસવા માંડી અને અંતે પરિણામ એ આવ્યું છે કે, ગમે ત્યારે માટી બેસી જશે તેથી આખું શહેર બેસી જશે. ભૂસ્તરશાસ્ત્રીઓ ઉપરાંત કુદરતે પણ આ વિસ્તારમાં આડેધડ ખોદકામ નહીં કરવા વારંવાર ચેતવ્યા કરે છે પણ આ ચેતવણીઓને કોઈએ ગણકારી નથી.

કેદારનાથમાં લોકો મુશ્કેલીમાં મુકાયા

  • 2013માં કેદારનાથમાં પૂરની આફત.
  • લગભગ 6000 લોકોનાં સત્તાવાર રીતે મૃત્યુ.
  • દસ વર્ષ પછી સ્થિતિ ખરાબ થઈ ગઈ.

જોશીમઠ અને બદરીનાથના પટ્ટામાં આસપાસનાં 500 ગામો નેસ્તનાબૂદ થઈ જાય એવો ભય આપણે કોન્ક્રીટનાં જંગલો ઉભાં કરવાને વિકાસ ગણીએ છીએ. હવે પર્યાવરણ, ભૂસ્તર અને કુદરતના રક્ષણ વિશે વિચારવું જોઈએ. બાકી આખું ઉત્તરાખંડ રાજ્ય ખતમ થઈ જશે. આ તબાહી કેવી હશે એ લોકોએ કેદારનાથમાં 2013માં તો જોયેલું જ પણ તેનું ટ્રેલર 2021માં ફરી જોવા મળેલું.

ચમોલીમાં વધુ એક વખત આફત

  • 2021માં ચમોલી જિલ્લામાં હિમાલયની પર્વતમાળામાં બરફની મોટી શિલા તૂટી.
  • અલકનંદા અને ધૌલીગંગા એ બે નદીમાં પૂરે તબાહી કરી.
  • પૂરના કારણે બંને નદીના કિનારે આવેલાં મકાનો તો સાફ થઈ જ ગયાં.
  • ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ નુકસાન.
  • પાણીના ધસમસતા પ્રવાહમાં આખેઆખાં ઘર તણાઈ ગયાં.
  • ઘરોમા રહેનારાં લોકોનો પત્તો ન મળ્યો.
  • તાબડતોબ લશ્કરી ટુકડીઓ મોકલાઈ.
  • પાણીનો પ્રવાહ જબરદસ્ત હોવાથી મોટા ભાગનાં લોકોને બચાવી ના શકાયાં.
  • ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં પૂર આવ્યું ત્યારે 150 મજૂર કામ કરતા હતા.
  • સૌથી પહેલાં આ મજૂરો ભોગ બનીને તણાઈ ગયા.

આ ઘટના પછી તાત્કાલિક રીતે બાંધકામો બંધ કરીને માત્ર ને માત્ર શ્રદ્ધાળુઓને દર્શન માટે ઉત્તરાખંડને ખુલ્લું રાખવાની જરૂર હતી પણ કમનસીબે એવું થયું નથી અને કેદારનાથ સહિતનાં સ્થળે હોટલો, ગેસ્ટ હાઉસ, મકાનો વગેરે બન્યા જ કરે છે. આ બધાં બાંધકામોના કારણે ગરમી વધે છે તેથી હિમાલયમાં રહેલો બરફ ઓગળે છે. આ બરફ ઓગળે છે તેથી નદીઓમાં પૂર આવે છે કે જે પહાડોની પોચી જમીનોને ધોઈ નાંખે છે. તેના કારણે બરફની શિલાઓ તૂટે છે, ખડકો તૂટે છે, પર્વતો ધસી પડે છે, ભેખડો ધસી પડે છે અને રસ્તા બંધ થઈ જાય છે. ક્યારેક માણસો પણ મરે છે અને મરે નહીં તો ફસાઈ તો જાય જ છે. આ સ્થિતિ બદલવી જરૂરી છે. કેમ કે તેના કારણે ઉત્તરાખંડમાં ધર્મસ્થાનોમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેમના જીવ પર તો ખતરો છે જ પણ ઉત્તરાખંડના અર્થતંત્ર પર પણ ખતરો છે. ઉત્તરાખંડનું અર્થતંત્ર આ રીલીજિયસ ટુરિઝમ પર ચાલે છે.

ભૂસ્તરશાસ્ત્રીઓનો દાવો છે કે, ઉત્તરાખંડના મોટા ભાગના વિસ્તારોની હાલત અત્યંત ખરાબ છે કેમ કે વધારે કમાણીની લાલચમાં ઉત્તરાખંડમાં પર્યાવરણ કે જમીનની ચિંતા કર્યા વિના આડેધડ બાંધકામ કરાયાં છે.

નૈનિતાલના અસ્તિત્વને ખતરો

  • હવે નૈનિતાલનો ટર્ન આવશે એવી ચેતવણી
  • નૈનિતાલ તાલ એટલે કે સરોવરોનું શહેર
  • સરોવરો પહાડોની વચ્ચે
  • નૈનિતાલના પહાડો ત્રણ તરફથી ખસી રહ્યા હોવાથી ખતરો
  • ગમે ત્યારે નૈનિતાલની હાલત પણ ખરાબ થશે
  • પહાડો તૂટવાથી સરોવરો ફાટશે તો આખું નૈનિતાલ ડૂબી જશે

આ બધી પ્રવૃત્તિઓના કારણે હિન્દુઓ માટે પવિત્ર મનાતાં ઉત્તરાખંડનાં તમામ ધર્મસ્થાનો ખતરામાં છે. આડેધડ બાંધકામોના કારણે આ વિસ્તારોમાં જમીનના બંધારણનું સંતુલન ખોરવાઈ ગયું છે.
2013માં કેદારનાથમાં આવેલા વિનાશક પૂરનું કારણ આ બાંધકામો હતાં પણ તેના પર હજુ પ્રતિબંધ નથી. બીજાં ધર્મસ્થાનોની પણ આ જ હાલત છે.શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીને ઉત્તરાખંડમાં બાંધકામો બંધ કરાવવા અરજી કરી હતી પણ હિન્દુવાદી સંગઠનો અને નેતાઓ તેમની પડખે ના રહ્યા. જોશીમઠના ભૂસ્ખલનને કારણે શંકરાચાર્યનો આશ્રમ જ્યોતિર્મય પણ ખતરામાં છે કેમ કે એને ભારે નુકસાન થયું છે. ભગવાન બદરીનાથના શિયાળામાં જોશીમઠમાં નિવાસ કરે છે એવી હિંદુઓની માન્યતા છે. આ નિવાસને પણ ભારે નુકસાન થયું છે. ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે, જોશીમઠ જેવી જ હાલત ઉત્તરાખંડમાં બીજાં ધર્મસ્થાનોની પણ થઈ શકે છે. કેમ કે જમીનનું સ્તર જ સખળડખળ થઈ ગયું છે.

આ સંજોગોમાં હિંદુવાદીઓ પવિત્ર ધર્મસ્થાનો સામેના ખતરા અંગે જાગવું જરૂરી છે. સરકાર પર દબાણ લાવીને વિકાસના નામે કરાતા પ્રોજેક્ટ તાત્કાલિક બંધ નહીં થાય તો ભવિષ્યમાં આ પવિત્ર ધર્મસ્થાનો પર મોટો ખતરો આવી જશે.