July 9, 2024

તમારા દિલનું દિલથી ધ્યાન રાખો

Prime 9 With Jigar: કોલેસ્ટ્રોલ વિશે મોટા ભાગનાં લોકોએ સાંભળ્યું હશે અને કોલેસ્ટ્રોલનું લોહીમાં પ્રમાણ વધે એના કારણે હૃદય રોગનો ખતરો બહું વધી જાય છે એ જાગૃતિ પણ હવે આવી છે. ભારતમાં લોકો હૃદયરોગનાં જોખમો વિશે સતર્ક થઈ રહ્યાં છે પણ ડિસ્લિપિડેમિયા વિશે લોકોમાં બહું જાણકારી નથી. આ માહોલમાં CSI એટલે કે કાર્ડિયોલોજિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાએ ડિસ્લિપિડેમિયા અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નવી ગાઈડલાઈનમાં શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર કેટલું હોવું જોઈએ એ માટે નવાં ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. આ ધારાધોરણોની વાત કરતા પહેલાં ડિસ્લિપિડેમિયા શું છે એ સમજવું જરૂરી છે.

ડિસ્લિપિડેમિયા શું છે ?

  • લોહીમાં લિપિડનું પ્રમાણ અસામાન્ય થઈ જાયલિપિડ્સ લોહીમાં રહેલી ચરબી
  • લિપિડ શરીરના દરેક કોષમાં હોય
  • લિપિડ કોષો માટે એનર્જીનો એક સોર્સ
  • હૃદય રોગનો ખતરો વધી જાય
  • કોલેસ્ટ્રોલ લિપિડનો જ એક ભાગ
  • ખાણી-પીણી અને બદલાતી લાઈફસ્ટાઈલની અસર

શું છે કોલેસ્ટ્રોલ ?

  • આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ
  • ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ
  • ગુડ કોલેસ્ટ્રોલ રક્તવાહિનીમાંથી કચરાને સાફ કરીને લિવર સુધી લઈ જાય
  • લિવર કચરાને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે
  • બેડ કોલેસ્ટ્રોલ આર્ટરીઝને બ્લોક કરે
  • હૃદયની બીમારીઓનું જોખમ વધારે

ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાણી-પીણીના કારણે બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે આ સંજોગોમાં જરૂરી છે કે પોતાની જીવનશૈલીમાં અમુક જરૂરી પરિવર્તન કરવામાં આવે કે જેનાથી બેડ કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણ કરવામાં મદદ મળે. કાર્ડિયોલોજિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે, સામાન્ય લોકોમાં LDL-Cનું સ્તર 100 અને નોન-HDL-Cનું સ્તર 130થી નીચે હોવું જોઈએ. ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ LDL-Cને 70 અને નોન-HDL 100થી નીચે રાખવાનું લક્ષ્ય રાખવું જોઈએ. કોલેસ્ટ્રોલનું પ્રમાણ એનાથી વધુ કે ઓછું હોય એ સ્વાસ્થ્ય માટે સારું નથી. હૃદયરોગનો હુમલો, કંઠમાળ, સ્ટ્રોક અથવા ક્રોનિક કિડની રોગનો ઇતિહાસ ધરાવતા લોકો સહિત ખૂબ જ જોખમ ધરાવતા દર્દીઓએ તેમના LDL-C સ્તરને 55 mg/dL અથવા બિન-HDL સ્તર 85 mg/dLથી નીચે રાખવું જોઈએ.

હાર્ટ અટેકથી કેવી રીતે બચી શકાય ?

  • નિયમિત કસરત કરવી
  • આલ્કોહોલ અને તમાકુનું વ્યસન છોડવું
  • ખાંડનું સેવન ઘટાડવું
  • જીવનશૈલીમાં ફેરફાર કરવો

500 મિલિગ્રામ/ડીએલથી ઉપરના ટ્રાઇગ્લિસેરાઇડના સ્તર માટે ફેનોફાઇબ્રેટ, સેગ્લિટાઝોઅર અને માછલીના તેલનો ઉપયોગ જરૂરી છે. કોલેસ્ટ્રોલ વિશે આપણે જાણીએ છીએ તેથી આ પ્રમાણની માહિતી પહેલાં આપી પણ એ પહેલાં ડિસ્લિપિડેમિયા વિશે જાણવું જરૂરી છે.ડિસ્લિપિડેમિયાને કારણે હાર્ટ એટેક આવી શકે …ભારતમાં ડિસ્લિપિડેમિયાના રોગમાં ઝડપથી વધારો નાની ઉંમરના છોકરા કે યુવાનો પણ એનો ભોગ બની રહ્યા છે….CSIએ ડિસ્લિપિડેમિયા વિશે પ્રથમ માર્ગદર્શિકા બહાર પાડવી પડી

ડિસ્લિપિડેમિયા વિશે પ્રથમ માર્ગદર્શિકા

  • ભારતમાં ડિસ્લિપિડેમિયા સાવ નવો શબ્દ
  • CSIના મતે ડિસ્લિપિડેમિયા સાઇલન્ટ કિલર
  • ડિસ્લિપિડેમિયાનાં લક્ષણો ઘણીવાર બહાર દેખાતાં નથી
  • રોગ ધીમે-ધીમે શરીરમાં વધતો જાય
  • જેનાથી ઘણી બીમારીઓનું જોખમ વધી જાય
  • કોલેસ્ટ્રોલની ઓળખ માટે લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કરાવવો જોઈએ

આ માર્ગદર્શિકા શરીરમાં લિપિડનું સ્તર નક્કી કરવા માટે બનાવવામાં આવી છે અને ભારતની પોતાની પહેલી માર્ગદર્શિકા છે. આ ગાઇડલાઇનમાં લિપિડ ટેસ્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે. એથી સૌથી પહેલાં તો લિપિડ ટેસ્ટ વિશે જાણકારી મેળવવી જરૂરી છે.

શું છે લિપિડ ટેસ્ટ ?

  • કોલેસ્ટ્રોલ સહિતના કચરાનું લોહીમાં પ્રમાણ જાણવા માટેનો ટેસ્ટ
  • લિપિડ પ્રોફાઈલ અથવા તો લિપિડ ટેસ્ટ કહેવાય
  • હૃદયરોગ થવાની સંભાવના વિશે જાણવા માટે ઉપયોગી
  • હૃદયરોગ અને કાર્ડિયાક રિસ્ક એસેસમેન્ટમાં કોલેસ્ટ્રોલનો મહત્વનો ભાગ
  • લિપિડ પ્રોફાઇલમાં જ કોલેસ્ટ્રોલનો ટેસ્ટ પણ આવી જાય
  • લોહીમાં રહેલા ચાર અગત્યના પદાર્થોનું પ્રમાણ મપાય
  • કોલેસ્ટ્રોલનું ગુણોત્તર પણ જાણવામાં આવે

કોઈ વ્યક્તિને હૃદયરોગ થવાનું જોખમ વધારે હોય તો કઈ સારવાર આપવી જોઈએ તે ડોક્ટર લિપિડ પ્રોફાઈલ ટેસ્ટના રિઝલ્ટ પરથી નક્કી કરે છે. એક વાર દવા શરૂ થઇ જાય પછી ટ્રીટમેન્ટ મોનિટર કરવા માટે પણ લિપિડ ટેસ્ટ ઉપયોગી છે. લિપિડ પ્રોફાઈલ અથવા તો લિપિડ ટેસ્ટ એટલે શું એ સમજવા માટે પહેલાં તો લિપિડ શું છે એ સમજવું પડે.લોહીમાં રહેલા ચાર અગત્યના પદાર્થોનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ માટે અમેરિકન હાર્ટ એસોસિએશનની National Cholesterol Education Programની Adult Treatment Panelની જૂની ગાઇડલાઇન રિફર કરાય છે. અહીં આ લોહીમાં રહેલા ચાર અગત્યના પદાર્થોનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તેની સમજ આ ગાઈડલાઈન પ્રમાણે આપી છે પણ લિપિડ પ્રોફાઈલ ટેસ્ટનું રિઝલ્ટ સમજવા માટે ડોક્ટરને જ મળવું અને તેની સલાહ પ્રમાણે જ વર્તવું હિતાવહ છે. ડોક્ટરને તમારા શરીરનાં બીજાં રિસ્ક ફેક્ટરનો પણ ખ્યાલ હોય છે તેથી એ બધાં રિસ્ક ફેક્ટર્સને ધ્યાનમાં લઈને ચોક્કસ નિદાન કરી શકે. તેના કારણે તમારા શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલ તમારા માટે કઈ હદે જોખમી છે તેનો અંદાજ આવી શકે.

રિપોર્ટને સમજો

  • ટોટલ કોલેસ્ટ્રોલને સીરમ કોલેસ્ટ્રોલ કહેવાય
  • ટોટલ કોલેસ્ટ્રોલ 200થી ઓછું હોય તો નોર્મલ
  • 200થી 239 હોય તો બોર્ડર લાઈન
  • 240થી વધારે હોય તો હાઈ
  • ટ્રાઇગ્લિસરાઈડનું પ્રમાણ 150થી ઓછું હોય તો નોર્મલ
  • 150થી 199 હોય તો બોર્ડર લાઈન
  • 200થી 499 હોય તો હાઈ
  • 500થી વધારે હોય તો વેરી હાઈ
  • લોહીમાં LDL કોલેસ્ટ્રોલ 100થી ઓછું હોય તો નોર્મલ
  • 100થી 129 હોય તો સામાન્યની નજીક
  • 130થી 159 હોય તો બોર્ડર લાઈન હાઈ
  • 160થી 189 હોય તો હાઈ
  • 190થી વધારે હોય તો વેરી હાઈ

HDL કોલેસ્ટ્રોલ ગુડ કોલેસ્ટ્રોલ કહેવાય છે કારણ કે લોહીમાં એનું પ્રમાણ જેટલું વધુ હોય એટલું સારુ અને ફાયદાકારક છે પણ HDL કોલેસ્ટ્રોલ ઓછું હોય તો હૃદયરોગનો ખતરો વધે છે. લોહીમાં HDL કોલેસ્ટ્રોલ 40થી ઓછું હોય તો હૃદય રોગનો ખતરો વધે છે જ્યારે 40થી 60 હોય તો હૃદયરોગનું એવરેજ રિસ્ક રહે છે. 60થી વધારે હોય તો હૃદયરોગનું ઓછું રિસ્ક રહે છે. લિપિડ પ્રોફાઈલ ટેસ્ટના ભાગ રૂપે બીજા કેટલાક માપદંડોની પણ ગણતરી કરવામાં આવે છે અને એમાં એક VLDL કોલેસ્ટ્રોલ છે. આ સિવાય લોહીમાં રહેલા ટોટલ કોલેસ્ટ્રોલમાં HDL કોલેસ્ટ્રોલ એટલે કે “ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેટલું છે એનો ગુણોત્તર એટલે રેશિયો કાઢવામાં આવે છે. કોલેસ્ટ્રોલ અને HDL કોલેસ્ટ્રોલનો રેશિયો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું તો નથી ને એ બતાવે છે. આ સિવાય લોહીમાં રહેલા LDL કોલેસ્ટ્રોલ એટલે કે “બેડ કોલેસ્ટ્રોલ ” અને HDL કોલેસ્ટ્રોલ એટલે કે “ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેટલું છે તેનો ગુણોત્તર એટલે ratio કાઢવામાં આવે છે.

લિપિડ ટેસ્ટમાં શું ધ્યાન રાખવું ?

  • સામાન્ય રીતે લિપિડ ટેસ્ટ માટે 8થી 10 કલાકનો ઉપવાસ કરાવાય
  • ડૉક્ટર ટેસ્ટ કરાવનારને ભૂખ્યા પેટે રાખે
  • ચા, કોફી, નાસ્તો કે અન્ય કોઈ ખાવાની ચીજ ના લઇ શકાય
  • ક્યારેક રેન્ડમ કે તો નોન-ફાસ્ટિંગ સેમ્પલ પણ લેવાય

લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કરાવતા પહેલાં ડોક્ટરને ફાસ્ટિંગ સેમ્પલ આપવાનું છે કે નોન – ફાસ્ટિંગ એ પૂછી લેવાનું હોય છે. લિપિડ પ્રોફાઈલ ટેસ્ટનું રિઝલ્ટ સમજવા માટે પણ ડોક્ટરનો સપર્ક કરવો જોઈએ કારણ કે તેનું પ્રમાણ તમારા માટે નુકસાનકારક છે કે નહીં તે ડૉક્ટર બીજાં રિસ્ક ફેક્ટર સાથે તેની ગણતરી કરીને નિદાન કરી શકે.
છાતીમાં દુઃખાવો કે હૃદયની તકલીફમાં જ લોકો ડૉક્ટર પાસે જાય…આખરે લિપિડ ટેસ્ટ કરાવાય હાલની મૉડર્ન લાઇફસ્ટાઇલના કારણે કોઈ તકલીફ ના હોય તો પણ સાવચેતી જરૂરી…

લિપિડ ટેસ્ટ છે જરૂરી

  • 45 વર્ષની ઉંમર પછી લિપિટ ટેસ્ટ કરાવવો જોઈએ
  • ફેમિલીની મેડિકલ હિસ્ટ્રી હોય તો પણ લિપિડ ટેસ્ટ જરૂરી

આ સિવાય જેમને હદય રોગ અથવા કાર્ડિયોવેસ્કુલર ડીસીસ થવાનું જોખમ હોય તેમણે પણ લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કરાવવો જોઈએ.

આ લોકો ખાસ કરાવે ટેસ્ટ

  • સિગારેટ પીનારા
  • વધારે પડતું વજન ધરાવતા લોકો
  • વધુ પડતો ચરબીયુક્ત ખોરાક
  • ફાસ્ટ ફૂડ વગેરે બિનઆરોગ્યપ્ર્દ ખોરાક ખાતા લોકો
  • બેઠાડું જીવનશૈલી ધરાવતાં લોકો
  • હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ધરાવતા લોકો

આવા લોકોએ પણ લિપિડ ટેસ્ટ કરાવી જ લેવો. એક માન્યતા એવી છે કે, બાળકોના લોહીમાં કોલેસ્ટ્રોલ ના હોય પણ અમેરિકન એકેડેમી ઓફ પિડિયાટ્રિક્સના કહેવા મુજબ બાળકોના લોહીમાં કોલેસ્ટ્રોલ હોઈ શકે.

આ કારણે 9થી 11 વર્ષનાં દરેક બાળકનો અને ફરીથી તે બાળક 17થી 21 વર્ષનું થઇ જાય ત્યારે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટેસ્ટ કરાવવાથી હાર્ટ ડિસીઝની ફેમિલી હિસ્ટ્રી હોય તો તેનો ખ્યાલ આવી જાય છે. ભારતમાં કોલેસ્ટ્રોલ વિશે વર્ષો સુધી બહુ સભાનતા નહોતી. આ કારણે લોહીમાં કોલેસ્ટ્રોલ વધી જાય અને અચાનક હાર્ટ એટેક આવી જાય એવું બહુ બનતું. હવે, એનું પ્રમાણ ઘટ્યું છે પણ છતાં જોખમ તો છે જ એ જોતાં કોલેસ્ટ્રોલને સમજી લેવું અનિવાર્ય છે.

આવા લક્ષણોથી સાવધાન

  • છાતીમાં દુખાવો વધારે કોલેસ્ટ્રોલનું સામાન્ય લક્ષણ
  • છાતીમાં દુખાવો કે દબાણ એ હૃદયરોગના હુમલાનું લક્ષણ
  • હાર્ટ એટક લોહીમાં વધારે કોલેસ્ટ્રોલનું પરિણામ
  • સૂઈ રહ્યા હોવ ત્યારે શ્વાસ લેવામાં તકલીફ
  • થાક ઉચ્ચ કોલેસ્ટ્રોલનું સામાન્ય લક્ષણ
  • માથાનો દુખાવો પણ એક લક્ષણ
  • ગરદનની પાછળનો દુખાવો વધારે કોલેસ્ટ્રોલનું લક્ષણ
  • પગમાં દુખાવો અને ખાસ કરીને ચાલતી વખતે થતો દુઃખાવો

તકલીફ થાય ત્યારે ડૉક્ટર પાસે જવામાં કશું ખોટું નથી પણ શાણપણ તકલીફને પહેલાંથી રોકવામાં છે. આ ગાઈડલાઈનમાં બેડ કોલેસ્ટ્રોલને કઈ રીતે રોકી શકાય તેના ઉપાય પણ દર્શાવાયા છે. વધારે પડતું કોલેસ્ટ્રોલ હૃદયરોગ ઉપરાંત સ્ટ્રોક સહિતની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે તેથી તેનાથી બચવાના ઉપાયો જરૂરી છે.

આ રીતે રોકો બેડ કોલેસ્ટ્રોલ

  • સૌથી પહેલો ઉપાય નિયમિત કસરત
  • દરરોજ અડધા કલાકની કસરત કરો
  • બ્રિસ્ક વોકિંગ, જોગિંગ વગેરે હૃદય માટે ખૂબ લાભદાયી
  • રોજ 30 મિનિટ મધ્યમ-તીવ્રતાવાળો વ્યાયામ
  • દરરોજ 10,000 પગલાં ચાલવાનું લક્ષ્ય
  • એક્સરસાઇઝ કરવાથી ગુડ કોલેસ્ટ્રોલ લેવલ વધે
  • આરોગ્યપ્રદ ભોજન આરોગો

આપણ જે પણ ખાઈએ તેના કારણે શરીરમાં ચરબી સહિતના પદાર્શો બને છે કે જે આપણને પોષણ આપે છે. પણ આપણા શરીરમાં વધારે ચરબી જમા થાય તો ખતરનાક બની શકે છે. તેથી  હેલ્ધી ડાયેટ ફોલો કરીને કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણ કરી શકાય છે. હાઈ પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબરથી ભરપૂર ફૂડ્સ હશે તો કોલેસ્ટ્રોલ ઘટશે અને હૃદય મજબૂત થશે.

જમવામાં આટલું ટાળજો

  • શરીરમાં સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટનું પ્રમાણ ઓછું કરવું
  • વધારે પડતા સેવનથી આર્ટરીઝ બ્લોક થઈ શકે
  • પ્રોસેસ્ડ ફૂડ્સ અને જંક ફૂડ્સ ખાવાનું ટાળો
  • સંતૃપ્ત ચરબી અને ટ્રાન્સ ચરબીનું સેવન ઘટાડો
  • ખોરાકમાં ફળો, શાકભાજી અને આખા અનાજનું સેવન વધારો
  • ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો પસંદ કરો

આ ઉપરાંત વજન વધુ હોવાના કારણે તમારુ કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે. વજન વધુ હોવાનું કારણ શરીરમાં ચરબીનું વધારે પ્રમાણ કે છે અને તેના કારણે કોલેસ્ટ્રોલ વધે છે. વધારે પડતું કોલેસ્ટ્રોલ ગંભીર સમસ્યા છે પણ તેને ડાયેટ, વ્યાયામ અને દવાઓ દ્વારા અસરકારક રીતે કન્ટ્રોલમાં કરી શકાય છે. લાંબુ અને તંદુરસ્ત જીવવું હોય તો તમે આટલું તો કરી શકો કે નહીં ?