તરસ: ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાવાનો ખતરો
Prime 9 with Jigar: ગાંધીનગર જિલ્લાનાં ગામોમાં પીવાના પાણીની જ નહીં પણ સિંચાઈની પણ સમસ્યા છે. ઓછો વરસાદ અને સિંચાઈ માટે બોરવેલ દ્વારા સતત ખેંચવામાં આવતા પાણીના કારણે ભૂગર્ભજળ ઊંડા જઈ રહ્યા છે. ગુજરાત સરકારે પોતે જ પાણીની સ્થિતિના આપેલા આંકડા પર પણ નજર નાંખી લઈએ. ગુજરાતમાં એપ્રિલ મહિનો ચાલે છે અને ઉનાળાની કાળઝાળ ગરમીના મે અને જૂન મહિના બાકી છે. આ આંકડા પ્રમાણે મોટા ભાગના ડેમોમાં પાણી ખતમ થવા આવ્યું છે.
પાણી માટે વલખાં
ગુજરાતના 23 ડેમ સાવ ખાલી.
61 ડેમમાં એક ટકા કરતા પણ ઓછું પાણી.
માત્ર 34 ડેમોમાં જુલાઈના અંત સુધી ચાલે તેટલું પાણી.
ઉત્તર ગુજરાતમાં જળસંગ્રહ
15 ડેમમાં 34.58% પાણી.
મધ્ય ગુજરાતમાં જળસંગ્રહ
17 ડેમોમાં 54.39% પાણી.
દક્ષિણ ગુજરાતમાં જળસંગ્રહ
13 ડેમોમાં 53.17% પાણી.
કચ્છમાં જળસંગ્રહ
20 ડેમોમાં માત્ર 38.86% પાણી.
સૌરાષ્ટ્રમાં જળસંગ્રહ
141 ડેમોમાં 25.53% પાણી.
ખેડા જિલ્લાના જળાશયોમાં માત્ર 14% પાણી
સુરતમાં 15 ટકા જ્યારે અમરેલી જિલ્લામાં 18% પાણી.
બોટાદમાં 23 ટકા જ્યારે જામનગરમાં માત્ર 18 ટકા પાણી.
ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાના અંતમાં વરસાદ આવે છે. જોકે, અત્યારે જે સ્થિતિ છે એ જોતાં ત્યાં સુધીનો સમય કાઢવો મુશ્કેલ બની જશે તેવું લાગે છે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભયંકર ગરમી શરૂ થઈ છે. તેના કારણે પાણીનું બાષ્પિભવન ઝડપથી થવા લાગ્યું છે. આ સંજોગોમાં હજી પણ પાણીનું પ્રમાણ ઘટશે એ જોતાં મે મહિનો આવતા સુધીમાં તો રાજ્યના કેટલાક ભાગોમાં પાણીની અછત ઊભી થઈ જશે. ગુજરાતમાં અત્યારે જે સ્થિતિ છે તેમાં પીવા માટે જ પૂરતું પાણી નથી ત્યારે સિંચાઈના પાણીની તો વાત જ થઈ શકે તેમ નથી. તેના કારણે ઉનાળા પાક માટે સિંચાઇનું પાણી મેળવવા વલખાં મારવાં પડશે. આ વર્ષે વરસાદ સમયસર પડે તો વાંધો નહીં આવે પણ વરસાદ પડવામાં વિલંબ થશે તો ઉનાળાના દિવસો પસાર કરવા મુશ્કેલ બની જશે.
પાણી માટે વલખાં
ગુજરાતમાં પાણીનો સૌથી મોટો સોર્સ નર્મદા બંધ.
નર્મદા ડેમમાં 4789.62 મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો.
નર્મદા બંધમાં અત્યારે પૂરતું પાણી છે તેથી ચોમાસુ બેસી જાય ત્યાં સુધી પીવાના પાણીની સમસ્યા ના સર્જાય. મોટા ભાગની જગ્યાએ નર્મદા બંધનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા છે. જોકે, કેટલીક જગ્યાઓના લોકો આ સુવિધાઓથી વંચિત છે. આજેય રાજ્યમાં 60 ટકા ખેતી વરસાદ આધારિત છે. જોકે, માત્ર સમસ્યાઓ કહેવાનું અમારું કામ નથી. અમે આ જળ સંકટનાં કેટલાંક ઉકેલો પણ જણાવીશું.
ગુજરાતમાં ભરઉનાળે પાણીનો સંકટ | Water crisis in Gujarat in summer |
ખબરની ન કરો ફિકર Prime 9 with Jigar
#water #watercrisis #Gujarat #Summer #NewsCapitalGujarat #JaneCheGujarathttps://t.co/HQflGZR7tx
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 22, 2024
આ ઉપાયો અજમાવી શકાય
- ભૂગર્ભ ટાંકા બનાવવા જોઈએ.
- દરેક બિલ્ડિંગમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ફરજિયાત સિસ્ટમ.
- વધુને વધુ ચેકડેમ બનાવવા જોઈએ.
- ચેકડેમથી જમીનનું સંતુલન ખોરવાતું નથી અને વીજ વપરાશ ઘટે.
- વધુને વધુ ખેતતલાવડી બનાવવી જોઈએ.
- ખેતતલાવડીથી પાણીની સમસ્યા ઉકેલાય.
- જમીનમાં ભેજ જળવાઈ રહે.
- વરસાદનું પાણી વૈજ્ઞાનિક ઢબે કૂવાઓમાં ઊતારવું જોઈએ.
- કૂવા રિચાર્જ થવાથી સિંચાઈનો ખર્ચ ઘટે.
- વધુ વિસ્તારમાં સિંચાઈ થઈ શકે.
- કૂવા રિચાર્જ થવાથી પાણીમાં ક્ષારનું પ્રમાણ પણ ઘટે.
આપણી હાલમાં પ્રચલિત ઘોરીયા બનાવી પાકને પાણી આપવાની પદ્ધતિમાં પાણીનો વ્યાપક બગાડ થાય છે કેમ કે તેમાં માટી ઘણું પાણી પી જાય છે. ટપક સિંચાઈ પદ્ધતિ વડે પાક લેવામાં આવે તો પાણીનો બચાવ થઈ શકે તેમ છે. ગુજરાત પાસે પાણીની સમસ્યા ઉકેલવાનો બીજો પણ ઉપાય છે.
આ ઉપાયો અજમાવી શકાય
- ગુજરાત પાસે લાંબો દરિયાકિનારો.
- દરિયાના પાણીને મીઠા પાણીમાં ફેરવવાનો વિકલ્પ.
- દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે ટેકનોલોજીમાં રોકાણ.
- જળ સંબંધિત તમામ સંસ્થાઓ વચ્ચે સંકલનને પ્રોત્સાહન
ઈઝરાયલ સાવ ખારોપાટ છે અને ત્યાં ભૂગર્ભનાં જળ પણ ખારાં છે. સામાન્ય સંજોગોમાં ખેતી ના થઈ શકે કે પીવાનું પાણી ના મળે. ઈઝરાયલે ડીસેલિનેશન અને વોટર સાઇક્લિંગ અપનાવી એનો રસ્તો શોધ્યો છે. ડીસેલિનેશન એટલે ખારા પાણીમાંથી મીઠું અને સજીવો માટે હાનિકારક તત્ત્વો દૂર કરીને એને શુદ્ધ પાણીમાં કન્વર્ટ કરવું. ઇઝરાયલના પીવાના પાણીની 50 ટકા જરૂરિયાત તો આ રીતે ડીસેલિનેશનમાંથી જ પૂરી પડાય છે. ખારાં જળથી ખેતી ના થાય એટલે ઇઝરાયલે ખારા પાણીને શુદ્ધ કરવાની અને પછી તેનો સંગ્રહ કરવાની ટેકનોલોજી વિકસાવી છે. ઇઝરાયલે ડ્રિપ ઇરિગેશન પદ્ધતિ પણ વિકસાવી છે. ડ્રીપ ઈરિગેશન એટલે ફુવારાથી સાવ ઓછું પાણી વાપરીને સિંચાઈ કરવી. તેના જોરે ઈઝરાયલ ખેતીમાં અવ્વલ બન્યું છે. થોડા વર્ષો પહેલાં ઈઝરાયલના વડાપ્રધાન નેત્યાનાહુ ગુજરાત આવ્યા હતા ત્યારે ખારા પાણીને મીઠું કરવાનો ડીસેલિનેશન પ્લાન્ટ ગુજરાતને ભેટમાં આપ્યો હતો. ગુજરાતે તેમાંથી પ્રેરણા લઈને એ દિશામાં આગળ વધવાની જરૂર હતી.
સમસ્યાનું મૂળ
ગુજરાતમાં વરસાદની અનિશ્ચિતતાના મૂળમાં ઘટી રહેલાં જંગલો.
જંગલો કાપીને કોંક્રીટનાં જંગલો ઊભાં કરાયાં.
રાજ્ય સરકાર જણાવે છે કે, પાણીની સમસ્યાના ઉકેલ માટે રાજ્યમાં 33 જિલ્લાનાં તમામ ગામોમાં પાણી સમિતિઓ છે. આ તમામ પાણી સમિતિઓમાં 50 ટકા પ્રતિનિધિત્વ મહિલાઓનું છે. પાણી સંવર્ધન માટે કામ કરતા કર્મશીલો કહે છે કે, ગુજરાતની પાણીની સમસ્યા હલ કરવા માટે મોટાં બંધો બાંધવાની જરૂર નથી, પરંતુ પાણીનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની તથા પાણીના સ્રોતો બચાવવાની જરૂર છે. આ માત્ર રાજ્ય સરકારની જવાબદારી નથી. આપણા બધાએ ભેગા મળીને વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. જો તમે ગામમાં રહેતા હોય તો તમારે શક્ય એટલી વધારે ખેતતલાવડી બનાવવી જોઈએ. જો તમે શહેરોમાં રહેતા હોય તો તમારે શક્ય એટલા વધારે ભૂગર્ભ ટાંકા બનાવવા જોઈએ.