December 4, 2024

ઈઝરાયેલમાં PM બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ 10 હજારથી વધુ લોકો રસ્તા પર ઉતર્યાં

Israel Hamas war: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને હવે નવા પડકારનો સામનો કરવાની ફરજ પડી છે. ઈઝરાયલના નાગરિકો તેમનો વિરોધ કરી રહ્યા છે. જેમા તેમને નિષ્ફળ રાજનેતા ગણાવીને લોકોએ તાત્કાલિક ચૂંટણીની માંગ કરી રહ્યાં છે. ઈઝરાયેલની ન્યૂઝ વેબસાઈટ હારેત્ઝ અને વાયનેટ અનુસાર, રવિવારે લગભગ 10 હજાર લોકોએ દેશની સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા નાગરિકોને મુક્ત ન કરવા બદલ સરકારની નિંદા કરી હતી.

લાંબા યુદ્ધના કારણે ગઠબંધન સરકારમાં પણ અસંતોષ
નોંધનીય છે કે, ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા. હમાસે લગભગ 250 ઈઝરાયેલ નાગરિકોને બંધક બનાવ્યા હતા.તેના જવાબમાં ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠા પર તાબડતોડ હુમલા કર્યા, પરંતુ હમાસ હજી પીછેહઠ કરવા તૈયાર નથી. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં 700 ઈઝરાયેલ સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. આ બધું અને જાન-માલના મોટા નુકસાન છતાં, હમાસ સાથેનું યુદ્ધ સમાપ્ત ન થવાને કારણે ઇઝરાયેલી નાગરિકો ગુસ્સે છે. યુદ્ધ લંબાવાને કારણે ઈઝરાયેલની ગઠબંધન સરકારમાં અસંતોષ છે. બીજી બાજુ નાગરિકોનો આરોપ છે કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની બેદરકારીને કારણે આટલો બધો વિનાશ થયો છે.

ઇજિપ્તની સરકારી ટેલિવિઝન અનુસાર, રવિવારે કૈરોમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટો ફરી શરૂ થતાં પહેલાં ગાઝા પટ્ટી પર ઘાતક હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા હમાસના હુમલામાં અત્યાર સુધીમાં ઘણી હોસ્પિટલો ધ્વસ્ત થઈ ગઈ છે અને ઈમારતો પણ ધરાશાયી થઈ ગયા છે.

ઇઝરાયેલની ઘેરાબંધીથી માનવીય સંકટ વધુ ઊંડું બન્યું છે. ગાઝાની અંદર સહાય વિતરણ સ્થળ પર ગોળીબાર અને નાસભાગને કારણે અરાજકતા ફેલાઈ ગઈ છે. રેડ ક્રેસન્ટ પેરામેડિક્સ અનુસાર, ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા છે. લોકોએ જણાવ્યું હતું કે ડિલિવરીનું નિરીક્ષણ કરી રહેલા ગાઝાન્સ દ્વારા અને નજીકના ઇઝરાયેલી સૈનિકો દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી.