મહિલા 7 દિવસથી બોરવેલમાં ફસાઈ, પાણી-કાદવને કારણે રેસ્ક્યૂમાં તકલીફ
રાજસ્થાનઃ રાજ્યના ગંગાપુર સિટી જિલ્લામાં એક મહિલા છેલ્લા 7 દિવસથી બોરવેલમાં ફસાયેલી છે. છેલ્લા 6 દિવસથી તેનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઘટના બામનવાસ વિસ્તારના રામનગર ઢોસી ગામની છે. ત્યાં એક ખેતરમાં બનેલા કાચા બોરવેલમાં એક મહિલા પડી ગઈ છે. એનડીઆરએફ તેમજ એસડીઆરએફની રેસ્ક્યૂ ટીમ મહિલાની બચાવ કામગીરીમાં લાગી ગયું છે. પરંતુ અવારનવાર આવતી મુશ્કેલીઓને કારણે રેસ્ક્યૂમાં મોડું થઈ રહ્યું છે.
બોરવેલમાં 90 ફૂટે મહિલા ફસાયેલી છે. રેસ્ક્યૂ ટીમે બોરવેલ નજીક 100 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો છે. પરંતુ ખાડામાં પાણી આવવાને કારણે ટનલ બનાવવામાં તેમજ મહિલાને રેસ્ક્યૂ કરવામાં તકલીફ પડી રહી છે. ખાડામાં બોરવેલ ચાર ફૂટ લાંબી અને અઢી ફૂટ પહોળી ટનલ બનાવવામાં આવી રહી છે. ખાડામાં ભરાયેલા પાણીને પમ્પથી બહાર કાઢવામાં આવી રહ્યું છે. ગત 6 ફેબ્રુઆરીની રાતે 8 વાગ્યા આસપાસ 25 વર્ષીય મહિલા મોના બૈરવા ખેતર પાસે ગઈ હતી અને ત્યાં બનેલા કાચા બોરવેલમાં પડી ગઈ હતી.
છેલ્લા 6 દિવસથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
મહિલાને ઘરે પહોંચવામાં મોડું થતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેમનો પત્તો લાગ્યો નહોતો. બુધવારે સવારે કાચા બોરવેલ પાસે મહિલાના ચંપલ જોવા મળ્યા હતા. ત્યારે પરિવારજનોને મહિલા બોરવેલમાં પડી હોવાનો અંદાજો આવ્યો હતો. પરિવારજનોએ તંત્રને આ વાતની જાણ કરી હતી. એનડીઆરએફને પણ સૂચના આપવામાં આવી હતી અને એક મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બોરવેલ 90થી 100 ફૂટ ઊંડો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમે બુધવારે સાંજે અંદાજે 5 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કર્યું હતું.
એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ બુધવારે આખી રાત મહિલાને ઉપરથી કાઢવામાં જ લાગી હતી. પરંતુ સફળતના નહોતી મળી. ગુરુવારે સવારે ફરીથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમે બોરવેલના ઉપરથી જ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખતા મહિલાનો હાથ દોરડાથી પકડ્યો હતો. પરંતુ બીજો હાથ પકડી શક્યા નહોતા. હૂક નાંખીને પણ બોરવેલમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હૂકમાં માત્ર મહિલાના કપડાં જ બહાર આવી રહ્યા હતા.
પાયલર મશીનથી 100 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો
તમામ પ્રયત્નો કર્યા બાદ પણ સફળતા નહોતી મળી. પછી રેસ્ક્યૂ ટીમે પ્લાન બી પ્રમાણે ગુરુવારે બપોર પછી બોરવેલ પાસે જેસીબી તેમજ એલએનટીની મશીનથી ખોદકામ ચાલુ કર્યું હતું. પરંતુ જેમ 15 ફૂટ પહોંચ્યા ત્યારે નરમાશને કારણે માટી ખસવા લાગી. વારંવાર માટી ધસવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં તકલીફ પડતી હતી. તેથી તંત્રએ જયપુરથી પાયલર મશીન મંગાવ્યું હતું. શુક્રવારે સવારે અંદાજે 10 વાગ્યે એક ટ્રેલર પાયલર મશીન લઈને પહોંચ્યો હતો. પરંતુ ઘટનાસ્થળે પહેલેથી જ ખેતરમાં ફસાઈ ગયું હતું. ટ્રેલર ફસાવવાથી ભારે ભરખમ પાયલર મશીનને ઘટનાસ્થળ સુધી પહોંચાડવામાં ખૂબ મુશ્કેલી પડી હતી.
અંતિમ ચરણમાં ખાડાથી બોરવેલ સુધીનું કામ
તંત્ર તેમજ ટેક્નિકલ ટીમના પાયલર મશીનને જેસીબીની મદદથી ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ પાયલર મશીન પહોંચ્યા પછી શુક્રવારે સાંજે 4 વાગ્યે ફરીથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. એનડીઆરએફની રેસ્ક્યૂ ટીમે બોરવેલ નજીક પાયલર મશીનથી અંદાજે 100 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો અને પાઇપ નાખવાનું કામ પૂરું કર્યું હતું. શનિવારે સાંજે એનડીઆરએફના જવાન એકપછી એક ઓક્સિજન સિલિન્ડર અને માસ્ક લગાવીને ખાડામાં ઉતરીને ચાર ફૂટ લાંબી અને દોઢ ફૂટ પહોળી ટનલ બનાવવાની કામગીરી કરતા હતા. ટનલ બનાવવાનું કામ અંતિમ ચરણમાં પહોંચી ગયું છે અને આશા છે કે, મહિલાને બહુ જલદી રેસ્ક્યૂ કરી લેવામાં આવશે.