October 20, 2024

રાજકોટ: શિક્ષકના ત્રાસથી કંટાળીએ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, લગાવ્યા ગંભીર આરોપ

Rajkot: રાજ્યમાં અવારનવાર કેટલીક એવી ઘટનાઓ સામે આવતી રહે છે જેમા વિદ્યાર્થીઓ ભણતરને લઈને પોતાનું જીવન ટુંકાવી દેતા હોય છે તો કેટલીક વખતે શાળામાં શિક્ષકોના ટોર્ચરથી પણ અણગમા પગલા લેતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. લોધીકા તાલુકામાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. મોટવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વિડિયો બનાવી આપઘાત કરી લીધો છે.

મળતી માહિતી અનુસાર ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે. મોટવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત પહેલા વિડિયો બનાવ્યો હતો. વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જે બાદ પરિવાર સાથે સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી હતો. વાતની ગંભીરતાને લઈને શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

સ્યુસાઇડ નોટમાં શું લખ્યું :

“આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા

મમ્મી અને પપ્પા મારો કોઈ વાંક નહોતો તો પણ મારી ટીચરે મારી સાથે…. મેં સાબિત કરીને બતાવ્યું કે પેપર મેં નથી લખ્યું તો પણ તેણે પોલીસની ધમકી આપી અને મારા પેપરમાં ચોકડા માર્યા. અને આવું પહેલીવાર નથી કર્યું. કાલે મેં તેના હાથમાં પેપર આપ્યું હતું તો પણ તેણે મને પોલીસની ધમકી આપી. B.A.ના પેપરમાં બધું સાચું લખ્યું હતું તો પણ કોઈની સાથે ન કર્યું અને મારી સાથે જ આવું કર્યું. મારે 25માંથી 23 માર્ક આવ્યાં હતા તો પણ મારી સાથે તેણે આવું કર્યું.

મમ્મી મેં આજે આ પગલું ભર્યું ન હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત. એટલે મેં આ પગલું ભર્યું છે. જો મમ્મી હું સાચું કહું છું, મારા સમ ખાઈને કહું છું કે પેપર મેં ન નથી લખ્યું. મેં સરને ખુબ સમજાવ્યાં, પણ તેમણે મારા પર પોલીસ કેસ કરવાનો છે એમ કહ્યું તેથી મેં આ પગલું ભર્યું છે.

મમ્મી મારા ભાઈબંધ ઝાલા ધ્રુવ અને અક્ષયરાજ સાથે પણ એકમ કસોટીમાં આવું કર્યું હતું, પણ આમાં સોલંકીસર મારી સાથે હતા. પણ મોસમી મેડમ, સચિનસર અને વિભૂતિ મેડમે જ મારી સાથે આવું કર્યું. મમ્મી (નામ અવાચ્ય) મારા ભાઈ જેવો છે, માટે તું તેને તારો દીકરો માની લેજે. સાહિલ, રામ આ બધા મારા મિત્રો તેમણે મારો સાથ આપ્યો. પેલા પણ તેણે આવું કર્યું હતું . આઈ લવ યુ મોમ એન્ડ પાપા એન્ડ ધવલ માય પરિવાર …બધા ખુશ રહેજો. તારો દિકરો ધ્રુવિલ…

 

આ પણ વાંચો: દિવાળી પહેલા અમદાવાદમાં ચક્કાજામ, સિંધુભવન રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો આવ્યા સામે