રાજકોટ AIIMSના ડિરેક્ટર ડો. કચોટે રાજીનામું આપ્યાની ચર્ચા, હવે હોસ્પિટલ રામભરોસે!
ઋષિ દવે, રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ખાતમુર્હૂત કર્યુ હતું તે અને સૌરાષ્ટ્ર-ગુજરાત તથા રાજકોટ માટે અત્યંત મહત્વની એવી જામનગર રોડ પર આવેલી રાજકોટ એઇમ્સ હાલ સાવ ધણીધોરી વગરની અને રામભરોસે જેવી સ્થિતિમાં આવી ગઈ છે. તાજેતરમાં રાજકોટ એઇમ્સના ડાયરેકટર અને કર્નલ ડો. સીડીએસ કટોચ તથા અન્ય 3 સામે એઇમ્સના એક મહિલા ડોકટરે રાજકોટ કલેકટર સમક્ષ તથા પોલીસમાં હેરાનગતિ અંગે ફરીયાદો કરતા ભારે વિવાદ સજાર્યો હતો.
આ દરમિયાન ડાયરેક્ટર કટોચે 2 મહિના પહેલાં ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યાની ચર્ચા છે અને જે મંજૂર નહીં થતા હાલ તેઓ રજા ઉપર ઉતરી ગયા છે. તેમનો ચાર્જ જોધપુર એઇમ્સના ડાયરેકટર ગોવર્ધન દતપૂરીને સોંપાયો છે. તેઓ ગત રવિવારે આવ્યા હતા પરંતુ ફરી દિવાળીની રજા ઉપર અને જોધપુર એઇમ્સની કામગીરી સંભાળતા હોવાથી પરત ચાલ્યા ગયા છે.
રાજકોટ એઇમ્સમાં હાલ 4 મહત્વની જગ્યા ખાલી છે. જેમાં પ્રમુખપદની જગ્યા ખાલી છે. આ ઉપરાંત ડેપ્યૂટી ડાયરેક્ટર તરીકે અરોરા હતા. તેઓ ફરી આર્મીમાં જતા રહ્યા હતા અને તેઓ હાલ રિટાયર્ડ થઈ ગયા છે, એટલે તે જગ્યા ખાલી છે. અરોરાનો ચાર્જ રાજકોટ એઇમ્સના ડો. કુલદિપને સોંપાયો છે. આ ઉપરાંત રાજકોટ એઇમ્સના એડમિનિસ્ટ્રેટિવ ઓફીસર જયદિપસિંહ વાળા પણ જતા રહ્યા છે. રાજકોટ એઇમ્સ પ્રમુખ વગર એક વર્ષથી ચાલી રહી છે. ભૂતપૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથિરીયાએ ઓગસ્ટ-2023માં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ હતું. રાજકોટ એઇમ્સમાં પબ્લિક રિલેશન ઓફીસર (PRO) તરીકે હાલ ડો. ઉત્સવ પારેખને ચાર્જ સોંપાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ એઇમ્સમાં 4 મહત્વની જગ્યા ખાલી હોવાથી દર્દીઓ બાબતે થોડી બ્રેક વાગી હોવાનું ત્યાંના ડોકટરો ઉમેરી રહ્યા છે. ડોક્ટર લોબીમાં ભારે ચર્ચા છે. કેન્દ્ર સરકાર તાકીદે આ બાબતે યોગ્ય નિર્ણય કરે તે જરૂરી બન્યું છે.
આ બાબતે AIIMS ડાયરેક્ટર ડૉ. સીડીએસ કચોટનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો ફોન સતત બિઝી આવી રહ્યો હતો. ગુજરાતની એકમાત્ર AIIMS શરૂઆતના સમયગાળાથી જ સતત વિવાદોમાં આવતી રહી છે. સૌપ્રથમ વલ્લભ કથિરીયાએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ એઇમ્સના ડાયરેક્ટર સહિત અન્ય લોકો સામે મહિલા ડોક્ટરે હેરાનગતિની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ હવે ખુદ ડાયરેક્ટરે જ રાજીનામું આપી દીધાની ચર્ચાથી વિવાદ વધુ વકર્યો છે.