સોમનાથના મેળામાં કેદીઓએ પીરસ્યા સ્વાદ, ભજીયાની કરાવે છે મોજ
અરવિંદ સોઢા, ગીર સોમનાથ: જૂનાગઢમાં ભવનાથની પરિક્રમા અને સોમનાથ મેળો, જે હાલ સૌરાષ્ટ્રમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લોકો ભવનાથ પરિક્રમા બાદ સોમનાથના મેળામાં અચૂક આવે છે. તેમાં પણ સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાના મેળામાં આકર્ષણરૂપ બન્યા રાજકોટ મધ્યસ્થી જેલના ભજીયાનો સ્ટોલ. કેદની સજા ચાલુ હોવા છતાં કોઇપણ જાતની હાથકડી કે બંધન વગર ખુલ્લામાં ચટાકેદાર ભજીયા બનાવી વિતરણ કરતા બંદીવાન બંધુઓ તંત્રે મુકેલ વિશ્ચાસનો ભંગ કરતા નથી અને લોકો પણ કેદીઓના સ્વાદિષ્ટ ભજીયા માણી આનંદિત થાય છે.
સ્વાદિષ્ટ ભજીયાની વાત
આમ તો ભજીયાનું નામ પડે એટલે આપણા શહેરમાં પ્રખ્યાત ફરસાણની દુકાન યાદ આવે. અને આપણે થાય કે આ કોઈ સારા ફરસાણ વાળા સ્વાદિષ્ટ ભજીયા ની વાત હશે. પરંતુ નહીં અમે તમને જે ભજીયા ની વાત કરી રહ્યા છે તે ભજીયા કોઈ સામાન્ય વ્યક્તિ કે ફરસાણ વાળા એ બનાવેલા ભજીયા ની વાત નથી. રાજકોટ મધ્યસ્થી જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવતા સ્વાદિષ્ટ ભજીયાની વાત છે. ગત રાત્રે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિક પૂર્ણિમાંનો ભવ્ય મેળો ખુલ્લો મુકાયો છે.
ભજીયા ખરીદીને યોગદાન
રાજકોટ જેલનાં ભજીયાનો સ્ટોલએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. લોકો આ ભજિયા નાં સ્ટોલ પર ભજિયાનો આસ્વાદ માણવા ભીડ જમાવે છે. અને પહેલા દિવસથી કેદીના ભજીયા ખાવા લોકોની કતાર લાગે છે, રાજય અધિક ડી.જી.અને જેલ સુધારણ વહીવટ અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા રાજકોટ જેલનાં જેલ સુપ્રિ.ના દેખરેખ હેઠળ સોમનાથનાં કાર્તિકી પૂર્ણિમાનાં આ મેળા માં કુલ 14 કેદીઓ આ અભિનવ પ્રયોગમાં ભાગ લઈ રહ્યા છે. જે તમામ પાકા કામના કેદી રાજકોટ સેન્ટ્રલ જેલનાં છે. અહીં ભજીયા બનાવતા કેદીઓની કોઈ ખાસ દેખરેખ રાખવામાં આવતી નથી. આ ભજીયા હાઉસનું મુખ્ય આકર્ષણ શુધ્ધતા, નહીં નફો નહીં નુકસાન અને ભુતકાળમાં ભુલથી આવેશમાં જે તે કેદી દ્વારા થયેલો ગુન્હો ભુલી ભવિષ્યમાં મુકત થઈ દેશના સારા નાગરિક બની રહે તેવી સહાનુભૂતિથી લોકો સારા કાર્યમા ભજીયા ખરીદીને યોગદાન આપે છે. અહીં 1 કિલો ભજીયા માત્ર 250 રૂપિયાનાં ભાવે મળે છે.
કેદીઓની સારી એવી કમાણી
રાજકોટ સેન્ટ્રલ જેલમાં છેલ્લા 14 વર્ષથી સજા ભોગવી રહેલા ગીર સોમનાથનાં જ કેદી કમલેશગીરી ગૌસ્વામી ઓપન જેલ અને ભજીયા હાઉસમાં કામ કરે છે. જેનું વેતન સરકાર આપે છે. કેદીઓ દ્વારા કમાયેલી મૂડીમાંથી સરકાર સારી છાપ ધરાવનારા કેદીઓને ભવિષ્યમાં મકાન બનાવવા લોન, દવાખાના સહીતના કામોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ભજીયા હાઉસમાં કેદીઓ દીલથી કામ કરે છે. અને લોકોનો પુરો સહયોગ પણ મળે છે. મેળામાં લોકો કેદીને જોવા તથા ભજીયા ખાવા આવે છે. તેમજ વ્યાજબી ભાવથી વહેંચવામા આવે છે. જેથી લોકોની સારી એવી ભીડ અહીં જોવા મળે છે. સાથે લોકો ને સ્વાદિષ્ટ ભજીયાની સાથે જેલના કેદીઓને સારી એવી કમાણી પણ થાય છે, જે ગતવર્ષે સોમનાથ ના મેળામાં 4 લાખ રૂપિયા જેટલી કમાણી હતી. તો ગત વર્ષે ભજીયામાં ભારે ભીડ ના કારણે આ વર્ષે જેલ પ્રસાશન અને કેદીઓ દ્વારા ભજીયા બનાવવા માટે અનોખું મશીન પણ વસાવવા આવ્યું છે, જેથી ભજીયા ખાવા માટે થતી ભીડને પહોંચી શકાય.
આ પણ વાંચો: વડોદરાના કોયલી ખાતે રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા
મેથીના ગોટાનાં સ્વાદિષ્ટ ભજીયા
જેલનાં કેદીઓ દ્વારા ખૂબજ સ્વાદિષ્ટ ભજીયાનો સ્વાદ માણવા લોકોનો અહીં ધસારો જોવા મળી રહ્યો છે. તો સાથીસાથ કેદીઓને જોવા માટે પણ વધુ લોકો અહીં આવે છે. એક બાજુ કેદીઓને જોઈ લોકો ડરતા હોય છે.પરંતુ અહીં ભજીયા વહેંચતા અને બનાવતા કેદીઓને મળી લોકો અને બાળકો સહાનુભૂતિ જતાવે છે. સામાન્ય રીતે આમ લોકો જેલના કેદીઓનાં નામથી ડરી જતા હોય છે. પરંતુ સોમનાથનાં આ મેળામાં તો પાકા કામના કેદીઓ દ્રારા ના કોઇ હથકડી કે ના કોઇ પહેરેદારી સામાન્ય માનવીની જેમ મેથીના ગોટાનાં સ્વાદિષ્ટ ભજીયા બનાવતા કેદીઓને નિરખી કુતુહલ અનુભવે છે. આમ લોકો પણ મોટી સંખ્યામાં કેદીનાં ભજિયાનો આસ્વાદ બેખોફ માણી રહ્યા છે.