રાજકોટમાં સિટી બસનો ગમખ્વાર અકસ્માત, 4 લોકોનાં મોત; 2 ઇજાગ્રસ્ત

રાજકોટઃ શહેરમાં સિટી બસે ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસચાલકે 6 લોકોને અડફેટે લઈને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાંથી 3 લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા 3 લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ સિટી બસમાં તોડફોડ કરી હતી.

મૃતકોનાં નામ

કિરણબેન કક્કડ
દિનેશભાઈ ઉર્ફે લાલો
રાજુભાઈ મનુભાઈ ગીડા
સંગીતાબેન નેપાળી

FSL બાદ સત્ય હકીકત જાણવા મળશેઃ સીટી ઇજનેર
RMCના સીટી ઈજનેર પરેશ અઢિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, અકસ્માત અમારા મનમાંથી જતો નથી, ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. કંડકટરે કહ્યું કે, બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. જો કે, સત્ય હકીકત FSL બાદ ખ્યાલ આવશે.

બે એજન્સી પાસે સિટી બસનો કોન્ટ્રાક્ટ
સિટીબસનો કોન્ટ્રાક્ટ PMI એજન્સી પાસે છે. જાસ્મીન રાઠોડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ એજન્સીની કુલ 124 જેટલી બસો શહેરમાં દોડે છે. મારુતિ ટ્રાવેલ્સની અન્ય 100 બસ પણ છે. આમ કુલ 224 બસ રાજકોટમાં કાર્યરત છે.