રાજકોટ સિટી બસ અકસ્માત મામલે વિશ્વમ એજન્સીને નોટિસ, 3 દિવસમાં સર્ટી રજૂ કરવા આદેશ

રાજકોટઃ તાજેતરમાં શહેરમાં થયેલા સિટી બસ અકસ્માતમાં 4 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે હવે તંત્ર સફાળું જાગ્યું છે અને વિશ્વમ એજન્સીને નોટિસ ફટકારી છે. રાજકોટ મહાનગરપાલિકાએ વિશ્વમ એજન્સીને ઇલેક્ટ્રિક બસ તેમજ ડ્રાઇવરના ફિટનેસ સર્ટિફિકેટ ત્રણ દિવસમાં જ રજૂ કરવા માટે નોટિસ ફટકારી છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાએ નવા નવા નાટકો શરૂ કર્યા છે. ડ્રાઇવરનું લાયસન્સ એક્સપાયર થયેલું હતું. ત્યારે આ બાબતની જવાબદારી સીધી રીતે એજન્સીની આવે. તો હવે એજન્સી સંચાલક પર પગલાં ભરવાને બદલે નાટક કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે આ મામલે ‘ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી’ બનાવી છે.

આ ફેકટ ફાયન્ડિંગ કમિટીમાં નાયબ કમિશનરથી માંડી, સીટી ઇજનેર, આરટીઓ ઓફિસર, ટેક્નિકલ એક્સપર્ટ, રાજકોટ રાજપથ લિમિટેડના મેનેજર અને જનરલ મેનેજર સહિત કુલ 11 વ્યક્તિઓની ટીમ બનાવવામાં આવી છે. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી દ્વારા તમામ ટેક્નિકલ તેમજ કાયદાકીય પાસાઓને આવરી લેવાશે.

અકસ્માતનું કારણ તેમજ તેને આનુસંગિક જવાબદારી અંગેનો પ્રાથમિક અહેવાલ એક મહિનામાં રજૂ કરાશે. તેમજ જરૂરી સુધારાત્મક પગલાં સહિતનો વિસ્તૃત અહેવાલ ત્રણ મહિનામાં રજૂ કરાશે. 3 મહિના સુધી કાગળો પર માત્ર તપાસો જ શરૂ રહેશે, પરંતુ જવાબદાર એજન્સી સંચાલક પર નક્કર કાર્યવાહી ક્યારે?