રાજકોટમાં ડબલ મર્ડર, 12 વર્ષની સંતાકૂકડી અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા…
જનક દવે, રાજકોટઃ આ વાત છે વર્ષ 2012ની. બરાબર 12 વર્ષ પહેલાં રાજકોટ શહેરમાં ડબલ મર્ડરની એક ઘટના બને છે. તે સમયે પોલીસ કમિશનર તરીકે એચપી સિંઘ ફરજ બજાવતા હતા. થોડા દિવસ પહેલાં જ તેમને પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. ત્યારે શહેરમાં ડબલ મર્ડરની ઘટના ખૂબ જ ચર્ચાસ્પદ બની જાય છે. પોલીસને કેટલાક લોકો પર શંકા હતી, તેમાંથી એક હતો મૃતક મહિલાનો પતિ. તેણે જ પત્ની અને કાકી સાસુની હત્યા કરી હતી. આરોપીને પકડવા માટે પોલીસ દિવસ-રાત મહેનત કરી હતી, પરંતુ તેમને સફળતા મળી નહોતી અને સમય જતા મામલો શાંત થઈ ગયો હતો. પોલીસકર્મીઓ અને અધિકારીઓ બદલાતા ગયા અને છેવટે ફાઇલ અભેરાઈ પર ચડી ગઈ.
હવે વાત કરીએ વર્ષ 2024માં બનેલી ઘટનાના ફોલોઅપ વિશે. હાલ ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે તેમની ટીમને જૂના વોન્ટેડ આરોપીઓ પકડવા માટે ટાસ્ક આપે છે. ધૂળ જામેલી ફાઇલો અભેરાઈ પરથી ઉતારવામાં આવે છે અને તેમાંથી એક ફાઇલ હતી ડબલ મર્ડર કેસની. ફાઇલને જોતા જ ઘટનાની ગંભીરતા સમજાઈ ગઈ અને આરોપીઓને પકડવા માટે કામ સોંપાઈ ગયું. જૂના દસ્તાવેજોનો અભ્યાસ કરી કેટલીક ટિપ્સ પર ટીમને કામ કરવા માટે કહેવામાં આવ્યું.
આ ફાઇલમાં આરોપીનો નંબર પણ હતો, પરંતુ તે હવે અસ્તિત્વમાં નહોતો. ત્યારે આ ઘટનાના ટેક્નિકલ સર્વેલન્સ પર ધ્યાન આપવામાં આવ્યું. કોલ ડિટેઇલ્સનો અભ્યાસ કરવામાં આવ્યો. કયા કયા નંબર પર વારંવાર થયેલી વાતચીતને ધ્યાને લેવામાં આવી. વર્ષ 2012માં થયેલી એ વાતચીતને આજે ધ્યાનમાં લેવાઈ અને તમામ માહિતી ભેગી કરવામાં આવી. આ નંબરોનો અભ્યાસ કરવામાં આવ્યો. તેમાંથી કેટલીક લીડ મળી અને ઉત્તર પ્રદેશનું એક લોકેશન મળ્યું. ડો. પાર્થરાજસિંહે ટીમને ઉત્તર પ્રદેશ રવાના કરી હતી. ટીમને ઘાસમાંથી સોય શોધવા જેવું કામ સોંપવામાં આવ્યું હતું. કારણ કે, હજારોની ભીડમાંથી આરોપી કોણ હશે તે શોધવું કપરું હતું.
એક તો આ સમગ્ર ઘટનાને 12 વર્ષ વીતી ગયા હતા. ઘટના બની ત્યારે તપાસની ટીમના સભ્યો ઉપરાંત ટીમના હેડ ડીસીપી ડો. પાર્થરાજસિંહ પોલીસ ફોર્સમાં પણ નહોતા. આરોપીએ ઓળખ છુપાવવા માટે બધું જ બદલી નાંખ્યું હતું. તેનો ચહેરો પણ બદલાઈ ગયો હતો. બધુ મુશ્કેલ લાગતું હતું. ત્યારે ટીમ પાસે એક નામ હતું. એક નંબર પણ હતો. જે ચોક્કસ આરોપીનો જ હશે તે નક્કી નહોતું અને એક ફોટો પણ હતો. ત્યારે ટીમે આ બધી માહિતી સાથે કામ ચાલુ કર્યું.
ટીમના અલગ અલગ અધિકારીઓમાંથી કોઈ ફેરિયો બન્યું, તો કોઇ ફળ વેચનારો બન્યું, કોઈ માલસામાન ઉઠાવનારો બન્યું તો કોઈ મજૂર બન્યું. પરંતુ છેવટે ટીમને નિરાશા જ હાથ લાગતી હતી. દરેક ટીમ રોજેરોજ રાજકોટના વોરરૂમમાં અપડેટ આપતી હતી. એક દિવસ ટીમને એક ચોંકાવનારી વિગત મળી. ત્યાં એક ચાની ટપરી પર ચા બનાવતા વ્યક્તિનો ચહેરો આરોપી સાથે મળતો હોય તેવું લાગ્યું હતું. ચા બનાવનારા વ્યક્તિને ખબર ન પડે તેવી રીતે તેની તસવીર લેવાઈ અને રાજકોટ મોકલવામાં આવી. ટેક્નિકલ એનાલિસિસ દ્વારા 12 વર્ષ જૂના ફોટા સાથે તેને મેચ કરવામાં આવી. આ સાથે ટીમને એક આશાનું નવું કિરણ દેખાયું હતું.
દરેક ટીમનો ટાર્ગેટ એક જ વ્યક્તિ હતો. એક અધિકારીએ થોડા દિવસમાં ચા બનાવનારાનો ભરોસો જીતી લીધો હતો. ત્યાં સુધી કે તેની સાથે રહેવા લાગ્યો હતો. જ્યારે અન્ય અધિકારીઓ ચાની કિટલી પાસે જ અલગ અલગ વેશમાં હતા. બીજી બાજુ જે અધિકારી તેની સાથે રહી રહ્યા હતા, તેણે ચાવાળાનો નંબર લઈ રાખ્યો હતો અને રાજકોટ વોરરૂમમાં મોકલી આપ્યો હતો.
આ નંબરને ટેક્નિકલ સર્વેલન્સ પર રાખવામાં આવ્યો હતો. 12 વર્ષ પહેલાંના નંબર પરથી કેટલાક નંબરો પર ફોન થયા હતા, તે જ નંબર પર ચા બનાવનારાએ પણ ફોન કર્યા હતા. આ માહિતી સામે આવતાં જ હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે આરોપી ચા બનાવનારો જ છે.
ત્યારબાદ એક દિવસ ચા બનાવનારાઓને સીધું જ પૂછી લીધું હતું કે રાજકોટમાં હત્યાઓ તે જ કરી હતી. ત્યારે અધિકારીઓથી ઘેરાયેલો પ્રવીણ ઉર્ફે પવન થોડી વારમાં જ સમજી ગયો કે એનો સંતાકૂકડીનો 12 વર્ષનો ખેલ હવે ખતમ થઈ ગયો છે અને ગુનો સ્વીકાર્યા સિવાય તેની પાસે કોઈ જ રસ્તો નહોતો.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમઆર ગોંડલીયા, એલએલ ડામોર, સીએચ જાદવ, PSI એએનપરમાર, ASI જલદીપસિંહ વાઘેલા, હિતેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવમસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ હરસુખભાઇ સબાડ, મહાવીરમસિંહ ચુડાસમા, મોહિલરાજસિંહ ગોહિલ, ગોપાલભાઇ પાટીલ, અર્જુનભાઇ દવેએ આ આખા ઓપરેશનને સફળ બનાવ્યું છે. ડીસીપી ડો. પાર્થરાજસિંહ સાથે આખી ટીમ ખરેખર અભિનંદનને પાત્ર છે.