રાજકોટ ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા વધુ 6 ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ફરિયાદ

રાજકોટઃ સાયબર ક્રાઇમ વિભાગે ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે અત્યાર સુધીમાં કુલ 8 ઇન્ફ્લુએન્સર્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

તમામની સામે જુગારધારાની કલમ 12(A) મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે. નિલેશ ચાવડા, ભાવેશ રાઠોડ, લક્ષ્મણ જંજવાડીયા, સાગર છૈયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇલેશ દેરવાડિયા, વિજય મજેઠીયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઇન્ફ્લુએન્સરને ફોલોઅર મુજબ કમિશન આપવામાં આવે છે.

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી રૂપિયા કમાય છે. ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરી મહિને લાખો રૂપિયા કમાય છે. યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ સાઇબર ક્રાઇમ વિભઆગે કાર્યવાહી હાથ ધરી છે. ઓનલાઇન અથવા લિંકના માધ્યમથી રમાડવામાં આવતી તમામ રમત કે ગેમ્સ ગેરકાયદેસર છે. આવનારા દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.