July 4, 2024

Rajkot Game Zone Tragedy: નાના હોય કે મોટા કોઈને છોડવામાં નહીં આવેઃ હર્ષ સંઘવી

Rajkot Game Zone Tragedy: રાજકોટના અગ્નિકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, ‘રાજકોટની દુર્ઘટનામાં જે મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરવાની પ્રકિયા ચાલુ કરવામાં આવી હતી. તે સૌથી ચેલેન્જિંગ પ્રકિયા છે. મૃતદેહની પરિસ્થિતિમાં કોઈપણમાંથી લોહી પ્રાપ્ત નથી કરી શક્યા. હાડકાંના માધ્યમથી ડીએનએ મેચ કરવાની કામગીરી કરી રહ્યા છે. તેમના પરિવારજનો સાથે ડીએનએ મેચ કરીને કામગીરી કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, તમામ ડીએનએ સેમ્પલ મુખ્યમંત્રીના આદેશથી એરએમ્બ્યુલન્સમાં ગાંધીનગર એફએસએલમાં લાવવામાં આવ્યા છે. કાલે સવારે પાંચ વાગ્યાથી આ પ્રકિયા ચાલુ કરવામાં આવી છે. અત્યાર 18 લોકોની ટીમ કામ કરી રહી છે. આ પ્રકિયા ખૂબ જ અઘરી છે. કુલ 9 સ્ટેપમાં કામગીરી કરવામાં આવે છે. પ્રતિ મૃતદેહ અંદાજે 48 કલાકનો સમય લાગતો હોય છે. અત્યાર સુધીમાં કુલ 9 લોકોને ઓળખી કાઢવામાં આવ્યા છે. હાલ વધુ સેમ્પલિંગ પર કામ ચાલુ છે.’

આ પણ વાંચોઃ અત્યાર સુધીમાં 9નાં DNA મેચ, મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ

તેઓ વધુમાં કહે છે કે, આ ઘટનામાં મૃતકોનાં પરિવારજનોમાં દુખ અને ગુસ્સો હોવો સ્વાભાવિક છે. એફએસએલની ટીમ ઝડપથી કામ કરી રહી છે. મૃતદેહના શરીરમાંથી લોહી મળ્યું નથી એટલે હાડકાંના આધારે ડીએનએ મેચ કરવામાં આવે છે. તે સૌથી જટિલ પ્રકિયા છે.

તેમણે કાર્યવાહી અંગે વાત કરતા કહ્યુ છે કે, ‘નાના હોય કે મોટા હોય કોઈને છોડવામાં નહીં આવે. 2021થી લઈ 2024 સુધી ફાઇલો મંગાવી લેવામાં આવી છે. SITએ તમામ ફાઇલો કબ્જે લઈ લીધી છે. હાલની પરિસ્થિતિમાં રિપોર્ટના આધારે પગલાં લેવામાં આવ્યા છે. તેની ડિટેઇલ સ્ટડી ચાલુ છે. એસઆઈટીની તપાસ ચાલુ છે. જે કોઈ અધિકારીઓ જોડાયેલા હશે તેમને કોઈ છોડવામાં નહીં આવે.’