December 13, 2024

રાજકોટમાં ગે એપથી સંપર્કમાં આવેલા બે લોકો દ્વારા લૂંટ, વાંચો સમગ્ર ઘટના

ઋષિ દવે, રાજકોટઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મેડિકલ સ્ટોર ખાતે પ્રાઇવેટ નોકરી કરનારા 23 વર્ષીય ઋત્વિક કોઠીયા નામના વ્યક્તિ સાથે ગત રવિવારના રોજ સાંજના સમયે 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી અવાવરું જગ્યા ખાતે ગોસ્વામી રુદ્ર અને રાજદીપ ગોસ્વામી નામના વ્યક્તિઓ દ્વારા મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ સહિત કુલ 11000 રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.

ઋત્વિક કોઠીયા સમલૈગિંક સંબંધો માટેની એપ્લિકેશનના માધ્યમથી 20 ઓક્ટોબર 2024ના રોજ ગોસ્વામી રુદ્રના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ ફોન નંબરની આપ-લે થઈ હતી અને બંને એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા. આ દરમિયાન 20 ઓક્ટોબરના રોજ સાંજના 5:30 વાગ્યાના અરસામાં ગોસ્વામી રુદ્રએ ઋત્વિક કોઠિયાને ફોન કરીને સમલૈંગિક સંબંધ માટે પૂછતા ઋત્વિક કોઠિયાએ તેને હા પાડી હતી. ત્યારબાદ રુદ્ર ઋત્વિકને મળવા માટે બસ સ્ટેશન પાસે ગયો હતો. જ્યાં રુદ્ર સાથે તેનો મિત્ર રાજદીપ ગોસ્વામી પણ આવ્યો હતો.

આ દરમિયાન મોટરસાયકલમાં બેસીને ત્રણેય કટારીયા ચોકડીથી થઈ મુંજકા ચોકડી તરફ એક ખુલ્લા મેદાનમાં ગયા હતા. જ્યાં જઈ રુદ્ર અને રાજદીપ દ્વારા ઋત્વિકને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ તેની પાસે રહેલ એપલ કંપનીનો 10,000ની કિંમતનો મોબાઇલ ફોન તેમજ 1000 રૂપિયા રોકડાની લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ બંને ફરીથી મોટરસાયકલમાં ઋત્વિકને બેસાડી દીધો હતો. ત્યારે મોટરસાયકલની સ્પીડ ઓછી થતા ઋત્વિકે મોટરસાયકલમાંથી કૂદકો મારીને નીચે ઉતરી ગયો હતો. જેના કારણે તેને સામાન્ય ઇજા પણ પહોંચી હતી.

ડીસીપી જગદીશ બાંગરવાના જણાવ્યા અનુસાર, બનાવ સંદર્ભે બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તેમજ બંને આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે કે, અગાઉ મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી અન્ય કોઈ વ્યક્તિઓને પોતાના શિકાર બનાવ્યા છે કે કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ હાથ ધરવામાં આવશે.