October 22, 2024

રાજકોટમાં વરસાદથી તારાજી; ખેડૂતો ચિંતામાં, પાક ધોવાયાં

ધ્રુવ મારુ, રાજકોટઃ જિલ્લામાં જે રીતે ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે ભરચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ખેડૂતોનો તૈયાર પાક કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકનો આ અણધાર્યા વરસાદે ખતમ કરી નાંખ્યો છે. ત્યારે દિવાળી પહેલા ખેડૂતોના ઘરમાં અંધકાર છવાઈ ગયો છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ગઈકાલે અણધાર્યો કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

રાજકોટ જિલ્લા ઉપલેટા પંથક ઢાંક. તલગણા, ખારચીયા, સમઢીયાળા, કેરાળા, કાથરોટા, સેવંત્રા, કેરાળા, ખાખી, જાળીયા, મોટી પાનેલી, કોલકી સહિત ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ભારે વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. છેલ્લા ચાર મહિના થયા ખેડૂત મહેનત કરી રહ્યો હતો અને ખેતરમાં તયાર સોયાબીન, મગફળીના પાથરા હતા અને ઓળવવાની તૈયારી હતી. ત્યાં કુદરતે વરસાદરૂપી વિનાશ વેર્યો હતો.

ઉપલેટા ગ્રામ્ય પંથક મોટી પાનેલીમાં જાણે વરસાદે કાળો કેર વર્તાવ્યો હોય તેમ ખેડૂતોના ખેતર નદી બની ગયા હતા. ખેતરમાં પડેલી મગફળી, સોયાબીનના પાથરા પડ્યા હતા તે તણાઈ ગયા હતા. ત્યારે ખેડૂત બિચારો બની મહેનતને તણાતી જોઈ રહ્યો હતો. ઉપલેટા પંથકમાં બરબાદીનો વરસાદ વરસ્યો છે, ત્યારે ફરી ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે. ત્યારે ખેડૂતોની દિવાળી બગડી હોય તેમ હવે સરકાર પાસે સહાયની માગ કરી રહ્યો છે.

ઉપલેટાના મોટી પાનેલીના ખેડૂતો તો મગફળીને જોઈને ઈમોશનલ થઈ ગયા હતા અને કરુણ દ્રશ્ય સર્જયા હતા. ખેડૂતોના કહેવા મુજબ દિવાળીનો તહેવાર નજીક હોવાથી હવે અમારે અમારા બાળકોને ફટાકડા અને મીઠાઈ તો ઠીક ઘરમાં દીવડાં પણ કેમ કરવા તેમ કહી ખેડૂત ઈમોશનલ થઈ ગયા હતા. મોટી પાનેલી કોલકી ખેડૂતના જણાવ્યા મુજબ, સરકારમાં 40 ટકા ધારાસભ્ય ખેડૂત હોવા છતાં કોઈપણ ધારાસભ્ય કેમ ખેડૂતની વેદના વ્યક્ત નથી કરતા.

મોટી પાનેલીમાં ખેડૂતોના જણાવ્યા મુજબ, મોટી પાનેલી કોલકી સહિત વિસ્તારમાં અંદાજે 300થી 400 હેકટરમાં અંદાજે 25000 વીઘા મગફળી, સોયાબીન નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સહાય કરવામાં આવે તેવી ખેડૂતોની માગ છે.