June 23, 2024

રાજકોટમાં પ્રિમોન્સૂન કામગીરીને લઈને તંત્ર એક્શન મોડમાં, મોકડ્રીલનું આયોજન કર્યું

રાજકોટઃ જિલ્લા વહીવટી તંત્ર પ્રિ-મોન્સૂન કામગીરીના અનુસંધાને એક્શન મોડમાં આવી ગયું છે. પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે વ્યવસ્થાઓની વાસ્તવિક સ્થિતિ ચકાસવા માટે સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવે છે. જેના અનુસંધાને જસદણ તાલુકાના આલણસાગર ડેમમાં પૂર વ્યવસ્થાપન સંદર્ભે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલ દરમિયાન જસદણ તાલુકાના બાખલવડ ગામે આવેલા આલણસાગર ડેમમાં ઉપરના વિસ્તારમાં ભારે વરસાદ હોવાના કારણે પાણીની આવક વધવા લાગી હતી. ત્યારે એક વ્યક્તિ પાણીમાં ડૂબતો હોવા અંગે સિંચાઈ વિભાગના કર્મચારી દ્વારા મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમ નંબર 220032 પર ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ, નદીઓ બે કાંઠે વહી

આ ઘટનાની જાણ થતા તાત્કાલિક કંટ્રોલ રૂમથી ફાયર સ્ટેશન અને 108 એમ્બ્યુલન્સ હેલ્પલાઇનને જાણ કરી દેવામાં આવી હતી. તેથી ફાયર સ્ટેશનના કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી જઈને ડૂબતા વ્યક્તિને બચાવવાની કામગીરી કરી હતી. ત્યારપછી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ અસરગ્રસ્તની તાત્કાલિક સારવાર કરી હતી. આખરે સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાની જાહેરાત કરવામાં આવી હતી.