July 4, 2024

રાજકોટ મનપાના તત્કાલિન TPO સાગઠિયાની ઓફિસમાં તપાસ, કરોડોની રકમ સહિત સોનું મળ્યું

રાજકોટઃ મહાનગરપાલિકાના તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠીયાની ઓફિસમાં એસીબીએ તપાસ શરૂ કરી હતી. તેમાં કરોડો રૂપિયાની રોકડ રકમ સહિત મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું છે. ત્યારે એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

એલસીબીએ મહાનગરપાલિકાના તત્કાલિન ટીપીઓની 150 ફૂટ રિંગરોડ પર આવેલી ઓફિસનું સીલ ખોલતા રૂપિયા 5 કરોડની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત તેમની ઓફિસમાંથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનું 22 કિલો સોનું પણ મળી આવ્યું હતું. એસીબી તપાસ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગેમઝોન આગકાંડની દુર્ઘટનામાં મનસુખ સાગઠિયાની પણ સંડોવણી હોવાનું ખૂલ્યું હતું અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 28નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.