રાજકોટમાં BJPના બે કોર્પોરેટરો “મોરે – મોરો” આવ્યા, સંકલન બેઠકમાં બઘડાટી બોલી
રાજકોટ: રાજકોટમાં BJPના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ,સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર અને વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુકલ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. “કાઠલા પકડી લેવાની” અને “લાફા મારી લેવા” સુધીની વાતથી તમામ નેતાઓ સ્તબ્ધ, મુકેશ દોશીએ વડીલની ભૂમિકા ભજવી મામલો થાળે પાડ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મળેલી બીજેપીના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં બઘડાટી બોલી હતી. બીજેપીના જ બે સિનિયર કોર્પોરેટરો જયમીન ઠાકર અને નેહલ શુકલ વચ્ચે કાંઠલા પકડવાની અને લાફા મારી લેવા સુધીની વાત થતા -કોન્ફરન્સ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો.
કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરને ગેરસમજ થતા મામલો વધુ ગરમાયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે માફા માફી થતા ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાની વાત સામે આવી છે. વોર્ડ નંબર 7માં કચરો ઉપાડવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ વધારવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેનો વિરોધ કરતા નેહલ શુકલએ જણાવ્યું હતું કે, મારા વોર્ડમાં આવી કોઈ જ વ્યવસ્થા નથી. અધિકારીઓ અને કર્મચારીઓના કાઠલા પકડીને વોર્ડના વિવિધ કામ કરાવવા પડે છે.
આ ચર્ચા દરમ્યાન ફોનમાં વાત કરી રહેલા જયમીન ઠાકરને ગેરસમજ થઈ અને તેમને લાગ્યું કે નેહલ શુક્લએ તેમના પર ટિપ્પણી કરીને કહ્યું કે કાઠલા પકડીને કામ કરાવતા આવડે છે. જયમીન ઠાકરે ઉંચા અવાજે કહ્યું કે તમે કાઠલા પકડવાની શું વાત કરો છો? આ વાત બાદ મામલો ગરમાયો અને કોર્પોરેટર નેહલ શુકલેએ જયમીન ઠાકરને મોઢે મોઢ રોકડું પારખાવી દીધું કે કાઠલા પકડવાની વાત તો દૂર લાફા પર મારવા સુધીની વાત પણ થશે. નેહલ શુકલએ જયમીન ઠાકરને કહ્યું મારા પર સીન જમાવતા નહિ, તમે તમારી જિંદગીમાં જેટલી માથાકૂટ જોઈ નથી એટલી માથાકૂટ તો મેં એકલા એ કરી છે.
વાતાવરણ ઉગ્ર બનતા શહેર બીજેપી પ્રમુખ મુકેશ દોશીએ મધ્યસ્થી કરવાની ફરજ પડી અને સમગ્ર મામલો ગેરસમજને કારણે થયો હોવાનું જયમીન ઠાકરને જણાવ્યું. તેઓએ જયમીન ઠાકરને કહ્યું નેહલભાઈ તમારો કાઠલો પકડવાની વાત નથી કરતા અધિકારીઓ વિશે વાત કરે છે. બાદમાં જયમીન ઠાકરે માફી માંગતા મામલો શાંત થયો હતો. શહેર બીજેપીના બે ધુરંધર નેતાઓ વચ્ચે બોલાચાલી થતા મહિલા કોર્પોરેટરો તો રીતસરના સ્તબ્ધ બનીને બેસી રહ્યા હતા અને ગણતરીની મિનિટોમાં બેઠક પૂર્ણ કરી દેવાઈ હતી. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સ્ટેન્ડીંગ કમિટી સભ્ય નેહલ શુકલ રીતસરનો “મોરે-મોરો” આવતા આ મામલાએ ગામ ગજવ્યું હતું.