રાજકોટમાં બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ધરપકડ, જાણો સમગ્ર કિસ્સો

ઋષિ દવે, રાજકોટઃ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ધરપકડ કરવામાં આવી છે. બંને સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરના ફોલોવર્સ હજારો તેમ જ લાખોમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે સાયબર ક્રાઇમની તપાસમાં બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અન્ય વ્યક્તિઓને ઓનલાઈન ગેમ્બલિંગના રવાડે ચડાવી પોતે ઘર બેઠાં લાખો રૂપિયાની આવક મેળવતા હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા કેટલાય સમયથી યુવાધનને ઓનલાઈન ગેમ્બલિંગના રવાડે ચડાવતી અનેક એડવર્ડટાઇઝમેન્ટ જુદા જુદા માધ્યમોમાં તેમજ સોશિયલ મીડિયામાં પ્રકાશિત થતી જોવા મળે છે. ત્યારે રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉદાહરણરૂપ બે ગુના સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યા છે. સાઇબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો દ્વારા ઓનલાઇન ગેમ્બલિંગ ફેસિલિટી પ્રોવાઇડ કરતી વેબસાઈટ તેમજ એપ્લિકેશનની લિંક બાબતેનું પ્રમોશન કરી ઘર બેઠા લાખો રૂપિયાની આવક મેળવતા હોવાનું સામે આવ્યું છે.

મીડિયા સાથે વાતચીતમાં ડીસીપી ક્રાઈમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓનલાઇન ગેમ્બલિંગ બાબતેની વેબસાઈટ તેમજ એપ્લિકેશનની લીંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રમોશન કરી રહ્યા છે. આ બાતમીના આધારે સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવતા instagram આઈડી ધરાવનાર દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા આઈડી પર ઓનલાઈન ગેમ્બલિંગ લગતું પ્રમોશન કરવામાં આવતું હતું.

રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને બોલાવીને તેમની પૂછપરછ કરતા તેઓ ઓનલાઇન ગેમ્બલિંગના પ્રમોશન માટે રીલ બનાવતા હતા. તેમજ રીલ બનાવવા માટે અંદાજિત પ્રતિ રીલ 7,000 રૂપિયા જે-તે ગેમ્બલિંગ એપ્લિકેશન તેમજ વેબસાઈટ સાથે સંકળાયેલા લોકો દ્વારા પૈસા આપવામાં આવતા હતા. તેમજ જ્યારે તેમના કોઈ ફોલોવર્સ તેમના instagram આઈડી મારફતે ગેમ્બલિંગ વેબસાઈટ તેમજ એપ્લિકેશનમાં આઈડી બનાવી રૂપિયાની હાર જીત કરે તે અંતર્ગત પણ તેમને કમિશન મળતું હતું.

આમ, આ માધ્યમથી અન્ય લોકો જ્યારે ઓનલાઇન ગેમ્બલિંગ સાથે વધુ અને વધુ જોડાતા હતા તેમ તેમ બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને વધુ અને વધુ કમિશન હાર જીત થતા મળતું હતું. ત્યારે બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12(A) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા દીપ ગોસ્વામીનો મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો છે. દીપ ગોસ્વામીના instagram આઈડી ઉપર 322K ફોલોવર્સ હોવાનું સામે આવ્યું છે. તેમજ ધાર્મિક વાઘાણી નામના વ્યક્તિના instagram આઈડી ઉપર પણ ઓનલાઇન ગેમિંગની પ્રમોશનને લગતી વેબસાઈટની લિંક મૂકવામાં આવી હતી. જે બાબતે તેની પૂછપરછ કરતા તે જુગાર રમવા બાબતનું પ્રમોશન કરવા માટે રૂપિયા ચાર્જ કરતો હોવાનું જણાવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તેનો મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.

તેમજ ધાર્મિક વાઘાણી નામના વ્યક્તિના instagram આઈડી ઉપર 95.4K ફોલોવર્સ હોવાનું સામે આવ્યું છે. સાઇબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં જ ગોસ્વામીના એકાઉન્ટમાં છેલ્લા છ મહિનામાં અંદાજિત સાડા સાત લાખ રૂપિયા જેટલી રકમ પ્રમોશન તેમજ કમિશન બાબતે જમા થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે તે પૈસાનો ગોસ્વામી દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરવા માટે કોઈ ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તે બાબતે હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમજ હાલ દાખલ કરવામાં આવેલા જુગારધારાના કેસ બાબતે પણ જે કોઈપણ વ્યક્તિની સંડોવણી જણાશે તેમની વિરુદ્ધ પણ કાયદાકીય પગલા લેવામાં આવશે.

સાઇબર ક્રાઇમ પોલીસની પ્રાથમિક તપાસમાં જે-તે ગેમ્બલિંગ વેબસાઈટ તેમજ એપ્લિકેશન સાથે સંકળાયેલા લોકો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો instagram તેમજ ટેલિગ્રામ મારફતે સંપર્ક કરતા હતા. સંપર્ક કર્યા બાદ તેઓ રીલ બનાવવાનું કહેતા હતા. તેમજ રીલ બનાવ્યા બાદ પોતાના instagram આઈડી મારફતે જેટલા વ્યક્તિઓ પોતાનું ગેમ્બલિંગ વેબસાઈટ ઉપર આઈડી ક્રિએટ કરે તેમ જ હાર જીત કરે તે મુજબ તેમને કમિશન પણ આપવામાં આવતું હતું.