ઇન્ટરનેશનલ મીડિયાના દાવા પર રાજનાથ સિંહે કહ્યુ – …તો પાકિસ્તાનમાં ઘૂસી આતંકીઓને મારીશું
નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યુ કે, સરકાર દેશની શાંતિમાં ખલેલ પહોંચાડવાની કોશિશ કરનારા આતંકવાદીઓને છોડશે નહીં. ભલે તે પાકિસ્તાનમાં ગમે ત્યાં છુપાયેલા હશે, તેમનો હિસાબકિતાબ કરશે. રક્ષામંત્રીએ કહ્યુ કે, ‘20 આતંકવાદીઓને માર્યા છે? કોઈપણ આતંકવાદી અમારા પાડોશી દેશ સાથે મળીને ભારતને પરેશાન કરશે કે પરેશાન કરવાની કોશિશ કરશે કે અહીંયા આતંકવાદી હરકતો કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. જો તેઓ પાકિસ્તાન ભાગી જશે, તો પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું.’
ભારતે પાકિસ્તાનમાં ટાર્ગેટેડ કિલિંગને અંજામ આપ્યો હોવાનો દાવો કર્યો હતો, તે અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહ પ્રતિક્રિયા આપી રહ્યા હતા. રિપોર્ટમાં પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇએસઆઈના અધિકારીઓના હવાલા સાથા દાવો કરવામાં આવ્યો હતો કે, ‘ભારતે તે લોકોને મારવા માટે નીતિ લાગૂ કરી છે, જેને તે સંપૂર્ણરીતે પોતાના શત્રુ માને છે અને 2019માં પુલવામાં હુમલા પછી ભારતીય જાસૂસી એજન્સી રો (Research and Analysis Wing)એ આવાં ઓછામાં ઓછા 20 લોકોને ઠેકાણે પાડ્યાં છે.’
વિદેશ મંત્રાલયે આ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપેને ‘જૂઠ્ઠા, દુર્ભાવનાપૂર્ણ અને ભારત વિરોધી પ્રોપેગેન્ડા’ કહ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ કેટલીક જગ્યાએ કહ્યુ છે કે, અન્ય દેશોમાં થયેલી હત્યા ‘ભારત સરકારની નીતિ’નો ભાગ નથી. રક્ષામંત્રીએ પણ કહ્યુ છે કે, નવી દિલ્હી બધા જ પાડોશીઓ સાથે સારા સંબંધ બનાવી રાખવાનો ઇરાદો રાખે છે, ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો નથી કર્યો.
તેમણે કહ્યુ હતુ કે, ‘ભારતે ક્યારેય કોઈ દેશના વિસ્તારમાં કબ્જો કરવાની કોશિશ નથી કરી. ભારતનું આ ચારિત્ર્ય છે, પરંતુ વારંવાર ભારતને કોઈ આંખ બતાવે, અહીં આવીને આતંકવાદી ગતિવિધિ વધારવાની કોશિશ કરે તો, તેની ખેર નથી. જો કોઈ ભારત કે તેની શાંતિને ખતરો પહોંચાડે છે, તો તેને છોડવામાં નહીં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પણ કહ્યુ છે, તે બિલકુલ સત્ય છે. ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર છે અને પાકિસ્તાન પણ હવે સમજવા લાગ્યું છે.’
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલે રાજસ્થાનના ચૂરુમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, ‘આ પહેલાં જ્યારે 26 ફેબ્રુઆરી, 2019 અહીંયા આવ્યો હતો ત્યારે દેશે બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. ત્યારે ચૂરુની ધરતી પર મેં શબ્દ કહ્યા હતા, તે ભાવનાને હું ફરીથી વ્યક્ત કરવા માગુ છું. ત્યારે મેં કહ્યુ હતુ કે… સોગંદ મુઝે ઇસ મિટ્ટી કી મૈં દેશ નહીં મિટને દૂંગા, મૈં દેશ નહીં રૂકને દૂંગા, મૈં દેશ નહીં ઝૂકને દૂંગા… મારું વચન છે ભારત માતાને, તારું માથું નમવા નહીં દઉં. આજે અમે સેનાને સરહદ પર પલટવાર કરવાની ખુલ્લી છૂટ આપેલી છે. હવે દુશ્મનને પણ ખબર પડે કે આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારે છે.’