રાજપીપળાના પેલેસમાંથી ચોરી કરનારા પાંચની ધરપકડ, 10 લાખનો મુદ્દામાલ જપ્ત
પ્રવીણ પટવારી, રાજપીપળાઃ રાજવંત પેલેસમાં થયેલી ચોરી મામલે 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, રોયલ પિસ્તોલ અને રાજાની સહીવાળા ચેક ચોરી કર્યા હતા. આ ઉપરાંત ચેક વટાવીને વાહન ખરીદ્યા હતા. આમ કુલ મળીને 10.40 લાખની ચોરી કરી હતી.
રાજપીપળાના મહારાજાની રોયલ પિસ્તોલ રાજવંત પેલેસમાંથી ચોરી કરી લઈ જનારા શકમંદ સામે યુવરાજ માન્વેન્દ્રસિંહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વાયએસ શિરસાઠના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ કામે લાગી ટેક્નિકલ તથા હ્યુમન સોર્સ આધારે જુદી જુદી ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા આરોપી સંજય મધુકર રાજાની અમદાવાદથી ધરપકડ કરી હતી. તેની પાસેથી ચોરીની પિસ્તોલ કબ્જે કરવામાં આવી હતી.
પકડાયેલા આરોપી સંજય મધુકર રાજાની પૂછપરછ કરતા અન્ય આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો. આરોપી મીત, અરબાજ ઉર્ફે અજ્જુ, રિઝવાન, ફરહાને મોજશોખ પૂરા કરવા માટે સાથે મળી મહારાજા રઘુવિરસિંહની ઉંમર તથા શારીરીક અશક્તતાનો લાભ ઉઠાવી મહેલમાંથી નાની-મોટી ચીજ વસ્તુઓ તથા મહારાજાની સહીઓ કરેલા કોરા ચેકની ચોરી કરી હતી. ચોરી કરેલી ચીજવસ્તુમાંથી તથા ચોરી કરેલા કોરા ચેકો વટાવી મળેલા નાણા દ્વારા મારૂતિ સૂઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી, સેવોલેટ કંપનીની કુઝ ગાડી, રોયલ એન્ફીલ્ડ કંપનીનું બુલેટ જેવા વાહનો ખરીદ્યા હતા. આ વાહનો તેઓ વારાફરતી વાપરતા હોવાની કબૂલાત કરી છે. હાલ પોલીસે તમામ આરોપીને જેલહવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીના નામ
- સંજય મધુકર રાજા
- મીત કલ્પેશભાઇ રાવલ
- અરબાજ ઉર્ફે અજ્જુ મનસુરખાન પઠાણ
- રિઝવાન લિયાકત મલેક
- ફરહાન ઇકરામ હુસેન રાઠોડ