December 22, 2024

MP પરિમલ નથવાણીના ‘કૉલ ઑફ ધ ગીર’ પુસ્તકનું વિમોચન, બુકમાં સિંહની દુર્લભ તસવીરો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત કર્યું છે. ગત 31મી જુલાઈ, 2024ના રોજ તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી.

ન્યુઝ કેપિટલ સાથેની વાતચીતમાં પરિમલ નથવાણીએ જણાવ્યુ હતુ કે, ‘પહેલાના પુસ્તકથી અલગ આ વખતે ‘કૉલ ઑફ ધ ગીર’માં લખાણનું પ્રમાણ ઓછું છે અને તસવીરો વધુ છે. તેમાં ઝાડ પર ચઢતા સિંહો, ખનિજના ટુકડાંને ચાટતાં, એકબીજા સાથે તકરાર અને વ્હાલ કરતાં, રમતાં-કૂદતાં બચ્ચાં, શિકારની મિજબાની કરી રહેલા સિંહ કુટુંબ વગેરે સહિત સિંહની કેટલીક દુર્લભ તસવીરો છે. આ પુસ્તકમાં ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા અને વિવિધતાને પણ ખુબીપૂર્વક કંડારાઈ છે. ગીરમાં એકંદર જીવન, વૃક્ષો, ઝરણાં તેમજ તેની સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિ તેમજ સમગ્ર ગીર પ્રત્યે પરિમલ નથવાણીના અનહદ પ્રેમને આ પુસ્તકના લખાણો અને તસવીરો પ્રતિબિંબિત કરે છે.’

પરિમલ નથવાણીએ વધુમાં જણાવ્યું કે, ગીરની દરેક મુલાકાત તેમનામાં નવું જોમ ભરવાની સાથે નવી પ્રેરણા આપનારી રહી છે. આ પુસ્તકને જોયા બાદ દરેકની અંદર ગીર માટેનો અનહદ પ્રેમ ઉજાગર થશે અને આ જ તેમની સૌથી મોટી સિદ્ધિ બની રહેશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે.ગીર માટે કંઈક કરવાની ખેવનામાં હંમેશા પ્રેરણાનો સંચાર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમણે આભાર માન્યો હતો.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ લાયનના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોના કારણે સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના આઠથી વધુ જિલ્લાઓમાં સિંહોની ઉપસ્થિતિ જણાઈ છે અને પોરબંદર જિલ્લાના બરડામાં સિંહો માટે નવી વસાહત વિકસાવાઈ રહી છે.