વિસનગરની 3 વર્ષની મિષીકાએ શ્લોક બોલવામાં રચ્યો ઇતિહાસ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Rambagh-Society-located-on-Thalota-Road.jpg)
Mehsana News: મહેસાણા જિલ્લાના વિસનગરના થલોટા રોડ સ્થિત રામબાગ સોસાયટીમાં રહેતી માત્ર 3 વર્ષ 11 મહિનાની મિષીકા જોશીએ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે માત્ર 2 મિનિટ અને 21 સેકન્ડમાં ગીતા અધ્યાય, શિવ તાંડવ અને ત્રિકાળ સંધ્યા સહિતના 16 શ્લોક કડકડાટ બોલીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
આ પણ વાંચો: આ લોકો માટે કોફીનું સેવન ઝેર સમાન, થશે આ નુકસાન
વિસનગર શહેરનું નામ રોશન થયું
તાલુકા હેલ્થ ઓફિસમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ચિરાગ જોષીની દીકરી મિષીકાએ માત્ર એક વર્ષની ઉંમરથી જ તેની માતા જીનલબેન પાસેથી શ્લોકો શીખવાનું શરૂ કર્યું હતું. આ સિદ્ધિ વિશેષ એટલા માટે છે કેમ કે આ પહેલા આ રેકોર્ડ આંધ્રપ્રદેશના 5 વર્ષ 2 મહિનાના બાળક દ્વારા 2 મિનિટ 18 સેકન્ડમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. હાલમાં મિષીકા 150થી વધુ શ્લોકો કડકડાટ બોલી શકે છે, જેમાં ગીતા અધ્યાય, શિવ તાંડવ, ત્રિકાળ સંધ્યા, ગાયત્રી મંત્ર, મહિષાસુર મર્દીની સ્ત્રોત, દ્વાદશ શ્લોક, મહામૃત્યુંજય જાપ, ગોવિંદ દામોદર સ્તુતિ અને મધુરાસ્ટકમનો સમાવેશ થાય છે. તેની આ સિદ્ધિથી સમગ્ર બ્રહ્મ સમાજ અને વિસનગર શહેરનું નામ રોશન થયું છે. મિષીકાની આ સફળતાથી પ્રેરાઈને તેના માતા-પિતા હવે તેને લિમકા બુક ઓફ રેકોર્ડ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવવા માટે તૈયારી કરાવી રહ્યા છે.