અમદાવાદ: સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો ઉતારનારને 20 વર્ષની કેદ

આ કેસમાં કોર્ટે નોંધ્યું કે, આરોપી સામે દયા ન દાખવી શકાય.
મિહિર સોની, અમદાવાદ: શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ બળાત્કાર ગુજારી વીડિયો ઉતારી ધમકી આપનાર આરોપીને સ્પે. પોક્સો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું છે કે, આરોપી વીડિયો વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ બિભત્સ મેસેજ મોકલતો હતો. આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય.
શહેરના નરોડા વિસ્તારમાં રહેતો 21 વર્ષિય સાહિલ શૈલેષભાઇ રાવે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 17 વર્ષિય રોમા(ઓળખ છુપાવા નામ બદલ્યું છે)ને ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ મેસેજથી તેની સાથે નવે. 2020થી માર્ચ 2021 દરમિયાન વાતો કરી હતી અને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ નિકોલની હોટલમાં રોમાને સાહિલ લઇ ગયો હતો અને ત્રણ વાર બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત વીડિયો પણ ઉતારી લીધો હતો. ત્યારબાદ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રોમાને સાહિલ બિભત્સ મેસેજ કરતો હતો. આ મામલે રોમાએ પિતાને જાણ કરતા કૃષ્ણનગર પોલીસ મથકમાં સિહલ સામે બળાત્કાર, પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે.ચૌહાણે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો.
આ પણ વાંચો: બનાસકાંઠા અને પાટણ લોકસભાના ઉમેદવારોના સંમર્થનમાં જાહેરસભાને સંબોધશે
જેમાં સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સગીરાને હોટલમાં લઇ ગયાના દસ્તાવેજી પુરાવા છે, ઉપરાંત બિભત્સ મેસેજના પણ પુરાવા છે, આખોય કેસ નિઃશંકપણે સાબિત થાય છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્સમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે.