November 25, 2024

RBIએ BNP પરિબા અને 3 અન્ય બેંકિંગ સંસ્થાઓ પર લગાવ્યો દંડ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે કહ્યું કે તેણે BNP પરિબા પર વૈધાનિક અને નિયમનકારી પાલનમાં કેટલીક ભૂલો બદલ રૂ. 31.8 લાખનો દંડ લાદ્યો છે. સેન્ટ્રલ બેંકે હેવલેટ પેકાર્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ (ઇન્ડિયા), SMFG ઇન્ડિયા ક્રેડિટ કંપની અને મુથૂટ વ્હીકલ એન્ડ એસેટ ફાઇનાન્સ પર તેના કેટલાક ધોરણોનું પાલન ન કરવા બદલ દંડ પણ લાદ્યો છે. એક નિવેદનમાં રિઝર્વ બેંકે કહ્યું કે બેંક BNP પરિબા પર ‘એડવાન્સ પરના વ્યાજ દરો’ અંગે જારી કરાયેલી કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે.

BNP પરિબા પર કાર્યવાહીનું કારણ શું છે?
31 માર્ચ, 2023 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં સુપરવાઇઝરી આકારણી માટે વૈધાનિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ બેંકને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. રિઝર્વ બેંકે કહ્યું કે નોટિસ પર બેંકના જવાબ અને સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા સંસ્કરણને ધ્યાનમાં લીધા પછી તે જાણવા મળ્યું કે બેંક સામેના આક્ષેપો સાચા છે અને નાણાકીય દંડ લાદવો યોગ્ય છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે, “બેંક અમુક લોનના સંદર્ભમાં સમાન લોન શ્રેણીમાં સમાન બાહ્ય બેન્ચમાર્ક દર અપનાવવામાં નિષ્ફળ રહી છે.”

આ પણ વાંચો: જો ખાતાધારકનું મૃત્યુ થાય અને બેંકમાં નોમિનીનું નામ નથી તો પૈસા કોને અને કેવી રીતે મળે?

હેવલેટ પેકાર્ડ અને મુથૂટ વ્હીકલ પર આટલો મોટો દંડ લદાયો
આ સિવાય રિઝર્વ બેંકે હેવલેટ પેકાર્ડ ફાયનાન્સિયલ સર્વિસીસ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ પર રૂ. 10.40 લાખ, મુથૂટ વ્હીકલ એન્ડ એસેટ ફાઈનાન્સ લિમિટેડ પર રૂ. 7.9 લાખ અને એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડ (અગાઉ ફુલર્ટન ઈન્ડિયા કંપની લિમિટેડ) પર રૂ. 23.1 લાખનો દંડ ફટકાર્યો હતો જો કે રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે દંડ વૈધાનિક અને નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ એન્ટિટી દ્વારા તેમના ગ્રાહકો સાથે કરાયેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર નિર્ણય લેવાનો નથી.