February 21, 2025

દિલ્હીના મુખ્યમંત્રી પદે રેખા ગુપ્તાનું નામ જાહેર, પરવેશ વર્મા ડેપ્યુટી CM બનશે

Delhi CM: દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ પરવેશ વર્મા ડેપ્યુટી CM બનશે. PM મોદીના નેતૃત્વમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક બાદ પાર્ટીએ રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડ 2 નિરીક્ષકોની નિમણૂક કરી હતી. તેઓએ દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય દળની બેઠકમાં દિલ્હી વિધાનસભા પક્ષના નેતા તરીકે રેખા ગુપ્તાના નામની પસંદગી કરી હતી. આ સાથે પરવેશ વર્મા ડેપ્યુટી CM બનશે. તેમજ વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ બનશે.

રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે
રામલીલા મેદાનમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે. ભવ્ય કાર્યક્રમ માટે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં ખુરશીઓ ગોઠવવામાં આવી રહી છે. હવે ફક્ત શપથ ગ્રહણ સમારોહની રાહ જોવાઈ રહી છે. મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે સવારે 12 વાગ્યે યોજાશે. જેના માટે 25થી 30 હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને દિલ્હી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દેવિન્દર યાદવને હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

PM મોદી સમારોહમાં હાજર રહેશે
દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવતીકાલે મુખ્યમંત્રી સહિત ઘણા મંત્રીઓ શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં PM મોદી હાજર રહેશે. આ ઉપરાંત ભાજપ-NDAએ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.